અમદાવાદ-

રાજવી મહારાવ પ્રાગમલજી ત્રીજાનું 85 વર્ષની વયે ભુજના રણજીતવિલાસ પેલેસમાં આજે પરોઢે 6 કલાકે નિધન થયું છે. મહારાવશ્રી લાંબા સમયથી પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત હતા. કેન્સર અને તેની દવાઓની આડ-અસરથી તેમનું નિધન થયું હોવાનું તેમના વારસદાર કુંવર ઇંદ્રજીતસિંહ જાડેજાએ જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, થોડાંક સમય અગાઉ મહારાવ કોરોનાથી પણ સંક્રમિત થતા તેમની તબિયત વધુ લથડી હતી. અલગ કચ્છ રાજ્યના પ્રખર હિમાયતી રહેલાં મહારાવ તેમની પાછળ ધર્મપત્ની પ્રીતિદેવી અને ત્રણ વારસદારોને વિલાપ કરતાં મૂકી ગયાં છે. આજે બપોરે 12થી 1 કલાક દરમિયાન તેમના નશ્વર દેહને રણજીતવિલાસ પેલેસ ખાતે અંતિમ દર્શનાર્થે મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજપરિવારના સ્મશાન છત્તરડી ખાતે રાજ પરંપરા અનુસાર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમની વિદાયના સમાચાર સમગ્ર કચ્છ, ગુજરાત અને દેશમાં ફરી વળતા અનેક નામાંકિત હસ્તીઓ, રાજ ઘરાનાના મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ભચાઉના સપૂત અને માંડવી-મુન્દ્રાના ધારાસભ્ય તથા કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાએ પણ શોકાંજલી પાઠવી હતી.