વડોદરા, તા.૧૧ 

વડોદરા શહેરમાં બેકાબૂ બનેલા જીવલેણ કોરોનાનો હાહાકાર મચાવી રહ્યોલ છે, તેવા સમયે આજે કોરોના પોઝિટિવના ૧૦૮ નવા કેસો નોંધાયા છે. આ સાથે કોરોનાના દર્દીઓની સંખ્યા ૫૭૯૪ પર પહોંચી હતી. બીજી તરફ શહેરમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી ૭ દર્દીઓનાં મોત નીપજ્યાં હોવાનું બતાવવામાં આવી રહ્યું છે. જાે કે, ડેથ ઓડિટ કમિટીએ આજે વધુ બે દર્દીઓનાં કોરોનામાં મોત થયાનું સત્તાવાર જાહેર કરતાં કોરોનાના દર્દીઓનો મૃત્યુઆંક વધીને ૧૧૩ થયો હતો. હાલ શહેરની વિવિધ હોસ્પિટલોમાં ૯૯૯ જેટલા દર્દીઓ સ્થિર હોવાનું તેમજ ૧૫૬ ઓક્સિજન પર, ૬૮ વેન્ટિલેટર પર હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. આજે ૭૯ દર્દીઓને હોસ્પિટલમાંથી કોરોનામુક્ત થતાં રજા આપવામાં આવી હતી. ડિસ્ચાર્જ દર્દીઓની કુલ સંખ્યા ૪૪૫૮ થઈ હતી.

ગત સાંજથી આજે સાંજ સુધીમાં શહેરના રાજમહેલ રોડ, વાડી, મદનઝાંપા રોડ, ખંડેરાવ માર્કેટ, ફતેપુરા, ગોત્રી, માંજલપુર, તરસાલી, વાઘોડિયા રોડ, સુભાનપુરા, વડસર, ગોરવા, તાંદલજા, અટલાદરા, આજવા રોડ, અકોટા સહિત ગ્રામ્યના ઉમરવા, જાસપુર, પાદરા, કોયલી, ઊંડેરા, રણોલી, કેલનપુર, શેરખી, સાવલી, ટીંમ્બરવા, વલણ, કરજણ, ડભોઈ ખાતેથી ૧૦૫૩ જેટલા સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેમાં ૧૦૮ પોઝિટિવ અને ૯૪૫ નેગેટિવ રિપોર્ટ આવ્યા હતા. જેમાં ૨૨ જેટલી વ્યક્તિઓને સરકારી ફેસિલિટીમાં અને ૩૭ વ્યક્તિને પ્રાઈવેટ ફેસિલિટીમાં ક્વોરન્ટાઈન રાખવામાં આવી છે.

શહેરની હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી શહેરના તરસાલી શરદનગરમાં રહેતા ૬૩ વર્ષીય મહિલા સામાન્ય તાવ, ડાયાબિટીસની બીમારીને કારણે ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં, જ્યાં તેઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં સારવાર દરમિયાન મોત થયું હતું. દંતેશ્વર ખાતે આવેલ રણજિતનગરના જ્ઞાનનગરમાં રહેતા ૬૩ વર્ષીય વૃદ્ધા ડાયાબિટીસ તથા બીપીની બીમારીની સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ થતાં છેલ્લા ૧૨ દિવસની સારવાર વેળા કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમનું મોત નીપજ્યું હતું. શહેરની રાજસ્થંભ સોસાયટીમાં રહેતા ૭૦ વર્ષીય વૃદ્ધ કોરોના સંક્રમિત થતાં તેમને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરાતાં તેમનું સારવાર વેળા મોત થયું હતું.

રાજમહેલ રોડ પર આવેલ હાથી પોળમાં રહેતા ૭૫ વર્ષીય લોખંડના વેપારીને છાતીમાં કફની બીમારીને કારણે ગોત્રી ખાતેની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થતાં જ્યાં તેમનો કોરોનાનો ટેસ્ટ કરાતાં જે પોઝિટિવ આવતાં પાંચ દિવસની સારવાર બાદ મોત થયું હતું. લુણાવાડા કડિયાવાડમાં રહેતા અને અનાજ-કરિયાણાની દુકાન ધરાવતા ૭૫ વર્ષીય વૃદ્ધ કોરોના સંક્રમિત થતાં તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાતાં જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ તમામ મૃતક દર્દીઓની કોરોનાની ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરાઈ હતી.

ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજીના ડીન કોરોનાગ્રસ્ત

એમ.એસ.યુનિવર્સીટીમાં અત્યાર સુધી હેડ ઓફિસ અને વિવિધ ફેકલ્ટીઓમાં ફરજ બજાવતા સંખ્યાબંધ કર્મચારીઓ સહીત કોમર્સ ફેકલ્ટીના બે પ્રોફેસરો કોરોનાના સકંજામાં જકડાઈ ચુક્યા છે. એવામાં યુનિવર્સીટીની ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજીના ડીનનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેના પાગલે ફેકલ્ટીમાં સૅનેટાઇઝેશન સહીતની કામગીરી કરાવવામાં આવી હોવાનું સત્તાધીશો પાસેથી જાણવા મળ્યું છે.

કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામનાર દર્દીઓની સાચી માહિતી છૂપાવવાનો પ્રયાસ

વડોદરા. શહેરમાં કોરોનાનું સંક્રમણ નિરંકુશ બન્યો છે અને દર્દીઓના મૃત્યુ ઝડપથી વધી રહ્યા છે તેવા સમય અને સંજાેગોમાં વહીવટીતંત્રે પ્રજાને સાચી માહિતી આપવાને બદલે તેના ઉપર ઢાંકપીછોડો કરવો કેટલો યોગ્ય છે? એ આજે ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનાથી કોરોનાની મહામારીમાં સારવાર લેતાં દર્દીઓના ઈલાજ તેમજ મૃત્યુ પામેલા દર્દીઓની રોજેરોજ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવતી હતી અને પ્રજાને સાચી માહિતી મળતી હતી, પરંતુ સ્થાનિક વહીવટીતંત્રે નિરંકુશ બનેલા કોરોનામાં દર્દીઓનાં મૃત્યુની સાચી માહિતી છૂપાવવા માટે મૃત્યુની માહિતી આપવા પર સત્તાધીશો દ્વારા અચાનક બંધ કરી દેવામાં આવી છે.