દિલ્હી-

કૃષિ કાનૂન વિરૂદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોએ આવતીકાલે આપેલા ભારત બંધને કોંગ્રેસ, ડીએમકે, આપ, બસપા અને ટીઆરએસ દ્વારા પણ સમર્થન આપવાનું એલાન કરવામાં આવ્યુ છે. અત્યાર સુધીમાં ૧૧થી વધુ વિપક્ષો અને ૧૦ ટ્રેડ યુનિયનોએ ભારત બંધનું સમર્થન કર્યુ છે.

સ્વરાજ ઈન્ડીયાના વડા યોગેન્દ્ર યાદવે કહ્યુ છે કે આવતીકાલે સવારથી સાંજ સુધી ભારત બંધ રહેશે. બપોરે ૩ વાગ્યા સુધી ચક્કાજામ રહેશે. દૂધ, ફળ, તથા ભાકભાજી પર પ્રતિબંધ રહેશે. લગ્નો અને ઈમરજન્સી સેવા પર કોઈ પ્રતિબંધ નહિ ફરમાવાઈ. વિપક્ષોએ સંયુકત નિવેદન જારી કરી જણાવ્યુ છે કે સંસદમાં વોટીંગ કે ચર્ચા વગર ઉતાવળે પાસ કરાયાના કૃષિ કાનૂન ભારતની ખાદ્ય સુરક્ષા માટે ખતરો છે જે ખેડૂતો અને ખેતીને તબાહ કરી દેશે. 

કેન્દ્ર સરકારને લોકતાંત્રીક પ્રક્રિયાનું પાલન કરી ખેડૂતોની માંગણી માની લેવી જોઈએ. નિવેદન પર સોનિયા ગાંધી, શરદ પવાર, સિતારામ યેચુરી, ફારૂક અબ્દુલ્લા, અખિલેશ યાદવ વગેરેના હસ્તાક્ષર છે. કોંગ્રેસના પ્રવકતા પવન ખેડાએ કહ્યુ છે કે ખેડૂતોના સમર્થનમા કોંગ્રેસ તમામ જિલ્લા તથા રાજ્યના વડા મથકો પર દેખાવો કરશે અને ભારત બંધની સફળતા સુનિશ્ચિત કરશે. ડીએમકેના પ્રમુખ સ્ટેલીને કહ્યુ છે કે ખેડૂતોની માંગણી વ્યાજબી છે. દિલ્હીમાં ઓટો ટેકસી યુનિયને ભારત બંધનું સમર્થન કર્યુ છે. તૃણમૂલ દ્વારા પણ ખેડૂતોના આંદોલનને સમર્થન જાહેર કરવામાં આવ્યુ છે. હરીયાણા પેટ્રોલ-ડીઝલ એસો.એ પણ ટેકો આપ્યો છે.