અમદાવાદ-

ગુજરાતમાં એક સમયે કોરોનાના મહતમ કેસોને પગલે હોટસ્પોટ ગણાતા સુરત, વડોદરા અને રાજકોટમાં આ મહિને કેસ ઘટવા પર છે ત્યારે અમદાવાદમાં પરિસ્થિતિ અલગ જોવા મળી રહી છે. અમદાવાદમાં ઓકટોબર માસમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. સપ્ટેમ્બર માસનાં 18 દિવસના 2701 કેસ નોંધાયા હતા જયારે ઓકટોબર માસમાં 3032 કેસ નોંધાયા છે.

અમદાવાદમાં ગામ્ય વિસ્તારમાં કેસોમાં ઘટાડો નોંધાયો છે. 1 સપ્ટેમ્બર થી 18 સપ્ટેમ્બર સુધીમાં ગ્રામ્ય વિસ્તારમાં 361 કેસ હતા જે આ મહિને ઘટીને 330 થયા છે. સમગ્ર રાજયમાં આ માસનાં 18 દિવસમાં કુલ 22,332 કેસ નોંધાયા છે જયારે ગયા મહીને આ આંકડો 24,063 પર હતો. સુરતમાં ગયા મહીને 5000 કેસ નોંધાયા હતા. જેમાં આ મહીને ઘટાડો (4759) નોંધાયો છે. વડોદરામાં પણ આ જ પરિસ્થિતિ હતી. ગયા મહીને 2265ની સામે આ મહીને 2239 કેસ નોંધાયા હતા. 

રાજકોટમાં ગત માસે નોંધાયેલા 2617 કેસની તુલનાએ આ મહીને માત્ર 2312 કેસ જ નોંધાયા હતા. અમદાવાદ જિલ્લામાં મૃત્યુદરમાં કોઈ ખાસ તફાવત જોવા મળ્યો ન હતો. ગયા મહીને 18 દિવસમાં મૃત્યુ પામેલા 60 દર્દીઓની સામે આ મહીને 61 દર્દીઓના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં 5 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. આ આંકડો 28 ઓગષ્ટ પછી નોંધાયેલા મૃત્યુના આંકડા કરતા સૌથી વધુ છે. જિલ્લામાં છેલ્લે 3 ઓગષ્ટના રોજ 5 મૃત્યુ નોંધાયા હતા. સુરતમાં ફરી એક વખત સૌથી વધુ એટલે કે 239 કેસ નોંધાયા છે જયારે અમદાવાદમાં 183, વડોદરામાં 119 અને રાજકોટમાં 107 કેસ નોંધાયા છે.