વડોદરા : આજવામાંથી છોડવામાં આવેલ પાણી બંધ કરવા છતાય વિશ્વામીત્રીની સપાટીમાં સતત વધારો થતા પાલિકાતંત્ર વિમાસણમાં મુકાયું હતું. એક તબક્કે ગત રાત્રે વિશ્વામિત્રીની સપાટી ૨૫.૨૫ ફુટે પહોંચતાં ફરી એકવાર શહેરના માથે પુર સંકટ ઘેરાયું હતું. જાેકે સતત ૯ કલાક સપાટી ૨૫.૨૫ રહ્યા બાદ આજે સવારે ૧૦ વાગ્યાથી ઘટાડો શરૂ થતા તંત્રએ અને નદીકાંઠાની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોએ રાહત અનુભવી હતી. રાત્રે ૮ વાગે વિશ્વામિત્રીની સપાટી ૨૨.૫૦ ફુટ થતાં જે વિસ્તારમાં નદીના પાણી ભરાયા હતા તે ઓસરવાની શરૂઆત થઇ હતી. 

વડોદરા શહેર ઉફરાંત આજવા સરોવરના ઉપરવાસમાં ભારે વરસાદ થતા આજવાની સપાટી ૨૧૨.૯૫ ફુટે પહોંચતા રવિવારે રાત્રે ૧૧ વાગે આજવાના ૬૨ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું. જાેકે આજવાની સપાટી ૨૧૨.૪૦ ફુટ થતાં સોમવારે સવારે આજવાના દરવાજા બંધ કરવામાં આવ્યા હતાં. પરંતુ આજવામાંથી પાણી છોડવાના બંધ કરવા છતા વિશ્વામિત્રી નદીની સપાટીમાં ધીમી ગતીએ સતત વધારો જારી રહેતા ગત રાત્રે સપાટી ૨૩ ફુટે પહોંચ્યા બાદ કારેલીબાગ જલારામ નગર, હાથીખાના, સયાજીગંજ, વડસર વગેરે વિસ્તારોમાં નદીના પાણી પ્રવેશવાની શરૂઆત થઇ ગઇ હતી. જાેકે રાત્રે ૧ વાગે વિશ્વામિત્રી નદીની સપાટી ૨૫ ફુટને વટાવતા ફરી એકવાર વડોદરાના માતે પુરનું સંકટ ઘેરાયું હતું.

જાેકે આખીરાત નદીની સપાટી ૨૫.૨૫ ફુટે સ્થિર રહી હતી અને ૯ કલાક બાદ સવારે ૯ વાગ્યાથી ધીમી ગતીએ ઘટાડો શરૂ થતા તંત્રએ રાહત અનુભવી હતી અને બપોર ૧ વાગ્યા સુધી નદીની સપાટીમાં એક ફુટનો ઘટાડો થયો હતો. જ્યારે રાત્રે ૮ વાગે ૨૨.૫૦ ફુટ થઇ હતી. આમ વડદોરાના માથેથી ફરી એકવાર પુરનું સંકટ ટળ્યું હતું.

 નદીના પાણી ઉતરતા સ્થળાંતર કરાયેલા લોકો ઘરે પર ફર્યા

વિશ્વામિત્રી નદીની સપાટી વધતા હાથીખાના, સયાજીગંજ, સુભાષનગર, કલાલી નવીનગરી, સલાટવાડા, તુલસી બાગની ચાલી, કારેલીબાગ જલારામ નગર વગેરે મળી ઉત્તરઝોનમાંથી ૧૦૫ અને પશ્ચિમ ઝોનમાંથી ૪૩૦ મળીને ૫૩૫ લોકોને નજીકની પ્રાથમિક શાળાઓમાં સ્થળાંતર કરવામાં આવ્યા હતાં. જાેકે નદીના પાણી ઉતરતા મોટા ભાગના લોકો તેમના ઘરે પરત ફર્યા હતાં.