ભરૂચ - અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી પર રૂા. ૪૩૦ કરોડના ખર્ચે નિર્મિત ચાર માર્ગીય નર્મદા મૈયા પુલ તેમજ એલિવેટેડ કોરીડોરના લોકાર્પણ તથા અન્ય વિવિધ રૂા. ૨૨૨ કરોડના ખર્ચે નિર્મિત થનાર રસ્તાના કામોનું ભૂમિપૂજન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે સોમવારના રોજ બપોરે ૨.૩૦ કલાકે કે.જે. પોલીટેકનીક કોલેજ ગ્રાઉન્ડ ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું. નર્મદા મૈયા પુલ તેમજ એલિવેટેડ કોરીડોર ચાર માર્ગીય પુલની લંબાઇ ૧૪૬૨ મીટર તથા ૨૦.૮૦ મીટર પહોળાઇ છે. એપ્રોચની લંબાઇ ૨૧૩૧ મીટર, એલિવેટેડ કોરીડરની લંબાઇ ૧૪૦૭ મીટર અને પહોળાઈ ૧૭.૨૦ મીટર છે. આજરોજ નર્મદા મૈયા ઉદ્ધાટન સમારોહમાં માનનીય નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલના વરદહસ્તે રીબીન કાપી અને નારિયેળ ફોડીને દીપ પ્રાગટય કરીને લોકાર્પણ કાર્યક્રમ પોલીસ બંદોબસ્ત વચ્ચે સફળ બનાવાયો હતો, સમગ્ર કાર્યકર્તાઓ દ્વારા કોરોના ગાઈડલાઇનનું પાલન કરવામાં આવ્યું હતું અને દરેક આગેવાનોએ માસ્ક ફરજિયાતપણે પહેરીને કાર્યક્રમને પાર પાડયો હતો. જેમાં સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરના ધારાસભ્ય અરુણસિંહ રણા, રાજ્યસભાના પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબહેન પટેલ, ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના વિકાસમાં આ બ્રિજ એક મોરપીંછ સમાન સાબિત થશે. ભરૂચ જિલ્લો ઔદ્યોગિક જિલ્લો છે, ત્યારે નોકરિયાત વર્ગ માટે આ બ્રિજ આશીર્વાદરૂપ સાબિત થશે.