અમદાવાદ, ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તથા ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા અમદાવાદ શહેરના થલતેજ- શીલજ -રાંચરડા ચાર રસ્તા પર રૂ. ૫૫ કરોડના ખર્ચે નવનિર્મિત ચાર માર્ગીય રેલવે ઓવરબ્રિજનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં આજે ઈ-લોકાર્પણ કર્યું હતું.  

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, વર્ષઃ ૨૦૨૨ સુધીમાં દેશમાં ૧ લાખથી વધુ ફાટકો દૂર કરવામાં આવશે. જેનાથી કરોડો રૂપિયાનું ઈંધણ અને હજારો માનવ કલાકોની બચત થશે.થલતેજ- શીલજ -રાંચરડા રેલવે ઓવરબ્રિજનું દિલ્હીથી ઈ-લોકાર્પણ કરતાં તેમણે કહ્યું કે, આ બ્રિજના નિર્માણમાં સૌ પ્રથમવાર ફેબ્રિકેટેડ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બ્રિજના નિર્માણમાં ૧૦૫૦ ટન ફેબ્રિકેટેડ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વ્યક્તિગત થી માંડી સામૂદાયિક એમ તમામ ક્ષેત્રોનો વિકાસ કરવામાં આવ્યો છે. વધતી વિકાસની જરૂરિયાતોને પહોંચી વળવા માટે દેશમાં વ્યાપક ક્ષેત્રમાં માળખાકિય વ્યવસ્થાઓ અને સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.

વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ દેશના તમામ ઘરોમાં વીજળી પહોંચી ચુકી છે. મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ ગેસ પુરો પાડી ધુમાડામાંથી મુક્તિ અપાવી છે. દેશના દરેક ઘરમાં એક બેન્ક એકાઉન્ટ ખુલી ચૂક્યું છે.આ ઉપરાંત વર્ષ ઃ૨૦૨૨ સુધીમાં દરેક ઘર સુધી પાણીનો નળ પહોંચી જશે. તેમણે કહ્યું કે,કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ રાજ્ય સરકારે પ્રો-એક્ટીવ અભિગમથી લીધો છે. દેશમાં ગુજરાત રાજ્ય કેન્દ્રીય યોજનાઓનો લાભ લેવામાં અગ્રક્રમે છે તેના મૂળમાં ગુજરાત સરકારનો લોક વિકાસ માટેનો સકારાત્મક અભિગમ રહેલો છે. તેમણે કહ્યું કે,અમદાવાદ ઝડપથી વિકસી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રોના બીજા ચરણની શરૂઆત કરાવી હતી.