ભરૂચ, ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં શેરડીનું વાવેતર વિપુલ પ્રમાણમાં થાય છે.હિંસક પ્રાણીઓને રહેવા માટે શેરડીના ખેતરો અનુકૂળ ગણાય છે.આ પંથકમાં ખેડૂતો તેમજ ખેત મજૂરોને અવાર-નવાર દિપડા દેખાતા હોય છે.ઘણીવાર પાલતુ પશુઓના મારણ કરતા દીપડાઓથી તાલુકાની જનતામાં દીપડાનો ભય અનુભવાય છે. આજે વહેલી સવારે ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામની કાછી વગાની સીમમાં એક દીપડો મૃત હાલતમાં જાેવા મળ્યો હતો. ગામનાં એક નાગરિક દ્વારા વનવિભાગને આ બાબતે જાણ કરાતા ઝઘડિયા વન વિભાગના મહેશભાઇએ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચીને દીપડાના મૃતદેહનો કબજાે લીધો હતો,અને ઝઘડિયા વન વિભાગની કચેરી ખાતે લાવી દિપડાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ હાથ ધર્યુ હતું. કયા કારણોસર દીપડાનું મૃત્યુ થયું છે તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. ઝઘડીયા વન અધિકારી વિજયભાઇ તડવીએ જણાવ્યું હતું કે આ મૃત દીપડો નર છે,અને આશરે પાંચ ફૂટ જેટલી લંબાઈ ધરાવે છે.