વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની આગામી ૨૧મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર સામાન્ય ચૂંટણીઓમાં ભાજપના વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપકને પ્રદેશ ભજપમાંથી પાલિકાના ઈલેક્શન વોર્ડ-૧૫માંથી ટીકીટ ન આપતા અપક્ષ તરીકે ઉમેદવારીપત્ર ભર્યું હતું. ત્રણ ત્રણ સંતાનોનો બાયોલોજીકલ પિતા હોવા છતાં પણ એક સંતાનને દત્તક આપીને કાયદાની છટકબારીનો લાભ લઈને સોગંદનામામાં બે સંતાન દર્શાવવામાં આવ્યા હતા.જેની સામે ભાજપના વોર્ડ-૧૫ના ઉમેદવાર આશિષ જાેશી દ્વારા વાંધા અરજી કરીને તમામ પુરાવાઓ સાથે પડકાર ફેંકવામાં આવ્યો હતો. જેમાં લાંબી દલીલોને અંતે ભાજપના દબંગ ધારાસભ્યના પુત્ર દ્વારા છેતર૫ીંડીના પ્રયાસનો પર્દાફાશ થતા ફોર્મ રદ્દ કરવામાં આવ્યું હતું. દિપક શ્રીવાસ્તવે અપક્ષ તરીકે જે ફોર્મ ભર્યું હતું એમાં રજૂ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે, પોતાના હાલમાં માત્ર બે જ બાળકો હયાત છે. જેમાં ૧૩ ઓગસ્ટ ૨૦૧૨ના રોજ જન્મેલ કરીશ અને ૨૨ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ જન્મેલ ધીરજનો સમાવેશ થાય છે. એ સિવાય પાલિકાની કોઈપણ પ્રકારની લાહની રકમ બાકી નીકળતી નથી.એમ સોગંદનામામાં જણાવ્યું હતું. પરંતુ આ બંને બાબતોને ભાજપના ઉમેદવારે ખોટી સાબિત કરી બતાવી હતી. જેમાં દિપક શ્રીવાસ્તવના નામે રહેલી કેટલીક મિલકતોના વેરા પણ પાલિકાને ચૂકવવાના બાકી છે. આ ઉપરાંત તેઓએ જે બે સંતાનોનો સોગંદનામામાં ઉલ્લેખ કરેલ છે. એ સિવાય એમનું ત્રીજું સંતાન પ્રતિષ્ઠા છે. જેનો જન્મ આઠમી મેં ૨૦૧૭ના રોજ થયો હતો. આ સંતાનને દિપક શ્રીવાસ્તવે ગત ૧૫ જુલાઈ ૨૦૨૦ના રોજ પોતાના જ માતાપિતા સવિતાબેન અને મધુભાઈ બાબુલાલ શ્રીવાસ્તવને દત્તક આપ્યાનો દત્તક વિધાનનો કરાર લેખ કર્યો હતો. જેમાં ૮/૫/૨૦૧૭ના રોજ જન્મેલ પ્રતિષ્ઠાને ત્રણ વર્ષની ઉંમરે એના દાદા દાદીને ૧૫/૭/૨૦ના રોજ દત્તક આપી હતી.જે અંગેનો લેખ કરાયો હતો.પરંતુ સત્તાવાર રીતે ૮/૫/૧૮ના રોજ દત્તક આપ્યાનું લેખમાં જણાવ્યું છે. દત્તક વિધાનની પૂજા વિધિ કરીને દત્તક અપાયાનો લેખમાં ઉલ્લેખ કરાયો છે. આ દલીલોને ઉમેદવારીપત્રની ચકાસણી કરનારે અમાન્ય ઠેરવીને બાયોલોજીકલ ત્રણ સંતાન હોઈ દિપક શ્રીવાસ્તવનું ઉમેદવારીપત્ર રદ્દ કર્યું હતું. આમ પ્રતિષ્ઠાના જન્મની હકીકત છુપાવવા જતા દિપક શ્રીવાસ્તવ અને દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને પક્ષમાં અને ઇલેક્શનના અધિકારીઓ સમક્ષ પ્રતિષ્ઠા ગુમાવવાનો વારો આવ્યો હતો.

દીપકના ટેકેદારો દ્વારાએ તોડફોડ કરી

આ સંવેદનશીલ ઈલેક્શન વોર્ડને લઈને હોબાળો થવાની પૂર્વ નિર્ધારીત આશંકા સેવવામાં આવતી હતી. તેમ છતાં પણ એ જગ્યાએ પોલીસનો પૂરતો કોઈપણ પ્રકારનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો નહોતો.જે સમયે ફોર્મ રદ્દ થશે એવું લાગવા મળ્યું ત્યારે આ દબંગ ધારાસભ્યના નારાજ ટેકેદારો દ્વારા જે સ્થળે મહિલા અધિકારી ફોર્મ ચકાસણીની અને વાંધાઓની સુનાવણી કરી રહ્યા હતા. એ કચેરીનો કાચ તોડી નાખ્યો હતો. એ પછીથી સ્થિતિ તંગ બનતા આગ લાગ્યા પછીથી કૂવો ખોદવા નીકળ્યા હોય એમ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ એકાએક જગ્યા ખાલી કરાવી હતી. આ સ્થળે અન્ય કોઈપણ પ્રકારની બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ ન હોઈ ઉમેદવારો અને ટેકેદારોને દાદરમાં અને અન્ય સ્થળોએ પાળી પર જાેખમી રીતે બેસીને સમય પસાર કરવો પડ્યો હતો.