વડોદરા,તા. ૧૧ 

આજે સવારના સમયે ભાયલી વિસ્તારની એક કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરનાર વ્યક્તિ પર માલ-સામાનના પરિવહન માટે ઉપયોગમાં લેવાતી લિફ્ટને કારણે અકસ્માત નડતા કરોડરજ્જુ પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેને વાસણા રોડ ખાતેની રાણેશ્વર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં દર્દીને ૬ કલાક સુધી વેન્ટિલેટર પર રાખીને તેની કરોડરજ્જુનો એક્સ-રે અને જરૂરી ટેસ્ટ કરાવવામાં આવ્યા ન હતા અને તબીબ દ્વારા પરિવારજનોને યોગ્ય જવાબ ન આપી દાદાગીરી કરાતા દર્દીના સંબંધીઓ દ્વારા હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો.

એકતરફ કોરોનાની મહામારી દરમ્યાન કેટલાક તબીબો બિરદાવવા લાયક કામગીરી કરી રહ્યા છે. તો કેટલાક તબીબો એવા પણ છે કે જે આ બિરદાવવા લાયક કામગીરીથી એકદમ વિપરીત વર્તી રહ્યા હોય. એવો જ એક કિસ્સો આજરોજ શહેરના વાસણા રોડ ખાતેની રાણેશ્વર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં સામે આવ્યો હતો. સવારે ૮ઃ૩૦થી ૯ વાગ્યાની વચ્ચે ભાયલી વિસ્તારની કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા શૈલેષ મનુભાઈ ભાવસારને કામ દરમ્યાન અકસ્માત નડતા તેમની કરોડરજ્જુને ગંભીર ઈજાઓ પહોંચી હતી. કરોડરજ્જૂની ઇજા સૌથી ગંભીર હોવાથી તેઓને બેશુદ્ધ અવસ્થામાં સાઈટના એચ.આર મેનેજર દ્વારા રાણેશ્વર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યા તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમના સંબંધીઓ હોસ્પિટલ પર પહોંચતા તબીબો દ્વારા ‘ચાર-પાંચ કલાક બાદ તેઓ ભાનમાં આવશે’ તેઓ જવાબ આપીને રાહ જોવા કહ્યું હતું. તેમના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, સાંજના ૫ વાગ્યા સુધી તેમના ટેસ્ટ તો ઠીક પરંતુ એક એક્સરે પણ કાઢ્યો ન હતો. અમારું દર્દી ઇમર્જન્સીમાં હોવા છતાં સાંજે ૫ વાગે ડોક્ટર આવ્યા બાદ અન્ય દર્દીઓને જોવા જતા રહ્યા હતા. જ્યારે બાદ ૬ વાગે આવીને દર્દીનું મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હોત. જો તેઓએ સવારથી જ અમને કહી દીધું હોત, તો અમે બીજે ક્યાંક લઇ જાત. પણ આ લોકોએ વેન્ટિલેટર પર રાખીને કોઈ ટેસ્ટ પણ ના કર્યા અને અમને બીજે લઇ જવાનો મોકો પણ ન આપ્યો. આ ઉપરાંત જ્યારે ડોક્ટર સાથે વાત કરવા ગયા તો તેઓએ દાદાગીરી કરીને અણછાજતું વર્તન કર્યું હતું. જેને કારણે દર્દીના સંબંધીઓ દ્વારા હોબાળો મચાવતા અંતે પોલીસને બોલાવવામાં આવી હતી.

દર્દીની હાલત નાજુક હોવાથી જીવ બચાવવો અનિવાર્ય

તબીબ અને દર્દીના સંબંધીઓ વચ્ચે થયેલી બોલાચાલી દરમ્યાન તબીબે પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે, દર્દીને જ્યારે લાવવામાં આવ્યો ત્યારે તેની હાલત અત્યંત નાજુક હતી. જેના કારણે સૌથી પહેલું પ્રાધાન્ય તેનો જીવ બચે તેને આપવામાં આવ્યું હતું. દર્દી સરખી રીતે શ્વાસ પણ લેતો ન હોવાથી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો અને વેન્ટિલેટર પરના દર્દીના ટેસ્ટ કરી શકાય તેમ ન હોવાથી દર્દી થોડોઘણો સ્ટેબલ થાય તેની રાહ જોઈ રહ્યા હતા.