દિલ્હી-

દિલ્હીના રોહતાસ વિસ્તારમાં મંગળવારે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની સરકારી ગાડીમાં તોડફોડ કરાઈ હોવાનું તેમજ તેમના કાળા વાવટા ફરકાવાયા હોવાનું સામે આવ્યું છે. સિસોદિયાએ આ મુદ્દે ભાજપના નેતાઓ તેમજ તેના કાર્યાકર્તાઓને જવાબદાર ઠેરવ્યા છે અને તેમના વાહનમાં તોડફોનો આરોપ લગાવ્યો છે. બીજીતરફ દિલ્હી ભાજપે સિસોદિયાના આ આક્ષેપો પર હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

પ્રાપ્ત માહિતી મુજબ મંગળવારે રોહતાસ વિસ્તારમાં નિર્માણ પામી રહેલી એક સ્કૂલ બિલ્ડિંગનું નિરીક્ષણ કરવા આવેલા નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનો ઘેરાવ કરતા ભાજપના કાર્યકરોએ તેમને કાળા વાવટા દર્શાવ્યા હતા. કેટલાક લોકોએ મનીષ સિસોદિયા ગો બેકના સૂત્રો ઉચ્ચાર્યા હતા અને તેમની સરકારી ગાડી તેમજ શાળામાં તોડફોડ કરી હતી. સ્થળ પર હાજર પોલીસે નાયબ મુખ્યમંત્રીને માંડ માંડ બહાર ખસેડ્યા હતા.આ ઘટનાને લઈને મનીષ સિસોદિયાએ કેટલીક તસવીર સાથે ટ્‌વીટ કરી જણાવ્યું કે, આજે રોહતાસ નગરમાં સ્કૂલ બનાવવાનો વિરોધ કરતા ભાજપના નેતાઓ અને ગુંડાઓએ સ્કૂલમાં તોડફોડ કરી. મારી સરકારી ગાડીને નુકસાન પહોંચાડ્યું, સ્કૂલનો ગેટ તોડી અંદર હાજર મહિલા શિક્ષકો, એન્જિનીયર્સ અને મજૂરો સાથે ગેરવર્તણૂક કરી. ભાજપના લોકોને શાળા બનવાથી, લોકો ભણે-ણે તેનાથી આટલો રોષ શા માટે છે?

દિલ્હીના ગૃહ તેમજ લોક નિર્માણ મંત્રી સત્યેન્દ્ર જૈને પણ ઘટનાને વખોડી હતી. તેમણે ભાજપ પર નિશાન સાધતા ટ્‌વીટ કર્યું કે, ગમે તેટલા હાથ-પગ પછાડો પણ અમે અટકવાના નથી. ભાજપ આવા હજાર હુમલા ભલે કરાવે, અમને ડરાવી શકશે નહીં. અમે દિલ્હીના લોકોની સેવા કરવાની કસમ ખાધી છે અને અમને કોઈ રોકી શકશે નહીં. તાજેતરમાં દિલ્હીના સંખ્યાબંધ વિસ્તારોમાં શાળાઓના નવા બિલ્ડિંગોનું બાંધકામ ઝડપથી હાથ ધરાયું છે. આ સ્કૂલના બાંધકામનું નિરીક્ષણ કરવા માટે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સત્યેનદ્ર જૈન સાથે શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ આ શાળાઓ રૂબરૂ મુલાકાત લઈ રહ્યા છે. સિસોદિયાના મતે દિલ્હીના દરેક બાળક માટે દેશની સૌથી સારી શાળા બનાવવી તે કેજરીવાલ સરકારનું સપનું છે.