દિલ્હી

વિજય હઝારે ટ્રોફીની પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં દિલ્હીએ ઉત્તરાખંડની ટીમને ૪ વિકેટે હરાવી ટૂર્નામેન્ટમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ઉત્તરાખંડએ ૮ વિકેટે ૨૮૭ રન બનાવ્યા હતા. તેના જવાબમાં દિલ્હીની ટીમે ૬ વિકેટે ૨૮૯ રન બનાવીને મેચ જીતી લીધી હતી અને આ સાથે દિલ્હીની ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવાની આઠમી ટીમ બની હતી.

દિલ્હીની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો પરંતુ તે યોગ્ય સાબિત થઈ ન હતી. કમલસિંહે (૭૭) અને જય બિષ્ટે (૩૧) પ્રથમ વિકેટ માટે ૮૮ રનની ભાગીદારી કરી હતી. ઉત્તરાખંડના કેપ્ટન કુણાલ ચંદેલાએ પણ સારી બેટિંગ કરતા ૬૨ રન બનાવ્યા હતા. નીચલા ક્રમથી સૌરભ રાવતે ૨૩ બોલમાં ૪૪ રન બનાવ્યા અને ઉત્તરાખંડનો સ્કોર ૮ વિકેટ પર ૨૮૭ પર લઈ ગયો. દિલ્હી તરફથી પ્રદીપ સાંગવાને સૌથી વધુ ૩ વિકેટ લીધી હતી.

જવાબમાં રમતા દિલ્હીની શરૂઆત ખરાબ રહી હતી અને ધ્રુવ શોરે ફક્ત ૧૦ રને આઉટ થયો હતો. તે પછી હિંમત સિંહ પણ ૧ રન બનાવીને આઉટ થયો હતો. મનોજ કાલરા ૧૯ રનના અંગત સ્કોરે સારી શરૂઆત બાદ આઉટ થયો હતો. નીતીશ રાણાએ એક છેડેથી દિલ્હીનો સ્કોરબોર્ડ પકડી રાખ્યો હતો અને તે ૮૧ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ૧૪૬ રનમાં ૬ વિકેટ પડ્યા બાદ અનુજ રાવત અને સુકાની પ્રદીપ સાંગવાને અણનમ સદી ફટકારીને દિલ્હીને ૪ વિકેટથી જીત અપાવી. રાવતે અણનમ ૯૫ અને સાંગવાને અણનમ ૫૮ રન બનાવ્યા હતા. ઉત્તરાખંડ તરફથી સમાદ ફલ્લાહએ સૌથી વધુ ૨ વિકેટ લીધી હતી. આ જીતની સાથે દિલ્હીની ટીમ પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. દિલ્હી ઉપરાંત કર્ણાટક, કેરળ, ગુજરાત, આંધ્ર, મુંબઇ, સૌરાષ્ટ્ર, ઉત્તર પ્રદેશની ટીમો પણ ક્વાર્ટર ફાઇનલમાં છે. ક્વાર્ટર ફાઇનલ મેચ ૮ માર્ચે શરૂ થશે.