અબુધાબી 

 દિલ્હી કેપિટલ્સએ શાનદાર પ્રદર્શન કરી ક્વોલિફાયર-2 મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 17 રને પરાજય આપીને આઈપીએલના ઈતિહાસમાં પ્રથમવાર ફાઇનલમાં પહોંચવાની સિદ્ધિ મેળવી છે. દિલ્હીની ટીમ અત્યાર સુધી એકમાત્ર એવી ટીમ હતી જે આ પહેલા ક્યારેય ફાઇનલમાં પહોંચી નથી. હવે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 10 નવેમ્બરે આઈપીએલ ફાઇનલ રમાશે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 3 વિકેટે 189 રન બનાવ્યા હતા. જેના જવાબમાં હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 172 રન બનાવી શકી હતી.

દિલ્હી કેપિટલ્સની ટીમે ઈતિહાસ રચી દીધો છે. તે પ્રથમ વખત આઈપીએલ ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા 12 વર્ષના ઈતિહાસમાં પહેલા દિલ્હી ડેયરડેવિલ્સ અને પછી દિલ્હી કેપિટલ્સની ટીમ ક્યારેય ફાઇનલમાં પહોંચી શકી નથી. શ્રેયસ અય્યરની આગેવાનીમાં ટીમે આ સફળતા મેળવી છે.

દિલ્હી કેપિટલ્સે આપેલા 190 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદને ઈનિંગની બીજી ઓવરમાં રબાડાએ મોટો ઝટકો આપ્યો હતો. કેપ્ટન ડેવિડ વોર્નર માત્ર બે રન બનાવી રબાડાની ઓવરમાં બોલ્ડ થયો હતો. આમ ટીમને માત્ર 12 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ ઈનિંગની પાંચમી ઓવરમાં ફેંકવા આવેલા માર્કસ સ્ટોયનિસે પ્રિયમ ગર્ગ (17) અને મનીષ પાંડે (21)ને બે બોલમાં આઉટ કરીને હૈદરાબાદને બેકફૂટ પર ધકેલી દીધું હતું. હૈદરાબાદે પાવરપ્લેમાં 3 વિકેટ ગુમાવી 49 રન બનાવ્યા હતા.

હૈદરાબાદે 44 રન પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ક્રિઝ પર કેન વિલિયમસન અને જેસન હોલ્ડર હતા. આ બંન્નેએ પાછલી મેચમાં ટીમને જીત અપાવી હતી. પરંતુ ટીમનો સ્કોર 90 રન પર પહોંચ્યો ત્યારે જેસન હોલ્ડર (11)ને અક્ષર પટેલે આઉટ કર્યો હતો. ત્યારબાદ કેન વિલિયમસને સતત બીજી અડધી સદી ફટકારી હતી. કેને 35 બોલમાં પોતાના 50 રન પૂરા કર્યા હતા. વિલિયમસન 45 બોલમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 67 રન બનાવી માર્કસ સ્ટોયનિસનો શિકાર બન્યો હતો.

અબ્દુલ સમદે શાનદાર બેટિંગ કરતા 16 બોલમાં બે ચોગ્ગા અને બે ચોગ્ગાની સાથે 33 રન બનાવ્યા હતા. રાશિદ ખાન 7 બોલમાં 11 રન બનાવી આઉટ થયો હતો. આ બંન્ને સફળતા રબાડાને મળી હતી. શ્રીવસ્ત ગોસ્વામી શૂન્ય રન બનાવી રબાડાનો શિકાર બન્યો હતો.