દિલ્હી-

કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટમાં દિલ્હી હાઈકોર્ટે લીલીઝંડી આપી દીધી છે અને આ પ્રોજેકટને રોકવા માટેની અરજી ફગાવી દીધી છે. દિલ્હીમાં વર્તમાન સંસદ ભવનના સ્થાને નવા આધુનિક સંસદભવન ઉપરાંત કેન્દ્રની અનેક કચેરીઓ તથા વડાપ્રધાન તથા ઉપરાષ્ટ્રપતિના નિવાસસ્થાન માટેનો રૂા.20 હજાર ક્રોડનો પ્રોજેકટ હાલમાં જ શરુ થયો છે. પરંતુ તે નાણાનો બીનજરૂરી વ્યય છે અને તેના કારણે અનેક ઐતિહાસિક ઈમારતો ને પણ તોડી પાડવામાં આવશે તે સહીતની દલીલો સાથે આ પ્રોજેકટને રોકવા દિલ્હી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ હતી. પરંતુ હાઈકોર્ટે પ્રોજેકટને યોગ્ય ગણાવ્યો હતો. એટલું જ નહી જણાવ્યું હતું કે સમગ્ર અરજી કોઈ દ્વેષપૂર્ણ રીતે કરવામાં આવી છે. હાઈકોર્ટે અરજી કરનાર પર રૂા.1 લાખનો દંડ પણ ફટકાર્યો હતો અને પ્રોજેકટ સામેની તમામ દલીલો નકારી હતી. હાઈકોર્ટે કહ્યું કે આ એક મહત્વની અને આવશ્યક યોજના છે. હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.એન.પટેલની ખંડપીઠે આ નિર્ણય આપ્યો હતો તથા અરજદાર પર રૂા.1 લાખનો દંડ પણ ફટકારાયો હતો. અગાઉ આ અરજી સુપ્રીમકોર્ટમાં દાખલ થઈ હતી પરંતુ સર્વોચ્ચ અદાલતે દિલ્હી હાઈકોર્ટ પાસે જવા જણાવ્યું હતું.