દિલ્હી-

નકલી બિલિંગ ગેંગ સામે આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી કરી છે. આવકવેરા વિભાગે દિલ્હી એનસીઆર, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને ગોવામાં 42 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. આ દરમિયાન 500 કરોડનું નકલી બિલિંગ બહાર આવ્યું છે. દરોડા દરમિયાન આવકવેરા વિભાગે એન્ટ્રી ઓપરેટર સંજય જૈન અને તેના લાભાર્થીઓ પાસેથી 62 કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી છે. જે દિલ્હી-એનસીઆરમાં નોટબંધી પછીનો સૌથી મોટો રોકડ જપ્તી છે.

સમાચાર એજન્સી એએનઆઈના અનુસાર, આવકવેરા વિભાગની તપાસમાં બહાર આવ્યું છે કે એન્ટ્રી ઓપરેટર સંજય જૈન નકલી બીલો દ્વારા મોટી રોકડ સંભાળતા હતા. આવકવેરા વિભાગ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે દરોડામાં બનાવટી બીલો અને અસુરક્ષિત લોન દ્વારા બિનહિસાબી નાણાં અને રોકડ ઉપાડની વાત બહાર આવી છે. આવકવેરા વિભાગની કાર્યવાહીથી ખુલાસો થયો છે કે આ સમગ્ર નેટવર્ક દ્વારા કંપનીઓ અને લાભાર્થીઓની કંપનીઓને લાભ મળી રહ્યો હતો. દરોડા દરમિયાન 500 કરોડથી વધુની લેવડદેવડના બનાવટી દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે.