અમદાવાદ-

દેશમાં આઝાદીની લડાઈ પછી કદાચ આ ખેડૂત આંદોલન સૌથી મોટું આંદોલન થવા જઈ રહ્યું છે. આંદોલનમાં દિવસે દિવસે જોશ વધતો જાય છે, તેમછંતા સરકાર હોશમાં આવવાનું નામ લેતી નથી. સંઘર્ષશીલ આંદોલનકારીઓએ પણ નક્કી કર્યું છે કે આ ત્રણ કાળા કાયદાઓ જ્યાં સુધી હટે નહિ ત્યાં સુધી એક પગલું પણ પાછું હટવું નથી. આ આંદોલન સમગ્ર દેશના ખેડૂતોનું છે, ત્યારે ગુજરાત પણ એમાં પાછળ ન રહી જાય એ માટે ગુજરાતના તમામ ખેડૂત સંગઠનો એકત્રિત થઈ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ બનાવી 150 લોકો પહેલા ત્યારબાદ 60 અને ગુરૂવારે વધુ 80 લોકો દિલ્હી પહોંચ્યા છે. દિલ્હી બોર્ડર પર ગુરૂવારે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આવનારા દિવસોમાં ગુજરાતમાંથી ખેડૂતો વધારેમાં વધારે કેવી રીતે જોડી શકાય તેનું માઈક્રો આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ચર્ચા થયા મુજબ પહેલા તબક્કામાં ગુજરાતના તમામ તાલુકામાંથી ઓછામાં ઓછા 10 - 10 ખેડૂતો દિલ્હી પહોંચે અને બીજા તબક્કામાં ગુજરાતના તમામ તાલુકાઓમાંથી 30 -30 ખેડૂતો દિલ્હી પહોંચે સાથે સાથે બેઠકમાં એ પણ નક્કી કરવામાં આવ્યું કે દિલ્હી બોર્ડર પર ધરણાં પર બેસી રોજેરોજ એક આશ્ચર્યજનક કાર્યક્રમ કરી સરકારના આ ત્રણ કાળા કાયદાઓનો વિરોધ કરવો આજે આવેલા 80 ખેડૂતોનું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું.