વડોદરા

કોંગ્રેસના વોર્ડ -૨ના કાર્યકર્તા દીપ્તિ મહેતાની આગેવાની હેઠળ આપવામાં આવેલા આવેદનપત્રમાં પોલીસ કમિશ્નરને મકર સંક્રાન્ત -ઉત્તરાયણના તહેવાર નિમિત્તે જાહેર જનતા અને વેપારી વર્ગને માટે આગોતરી જાણ કરવાની માગ કરી છે. તેઓએ પત્રમાં જણાવ્યું છે કે, હાલમાં વડોદરા શહેરમાં છેલ્લા દોઢ મહિનાથી કર્ફ્‌યુનું વાતાવરણ ચાલી રહ્યું છે. આ સંજાેગોમાં આગામી દિવસોમાં જે મકર સંક્રાન્તિનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે પોલીસ દ્વારા આ તહેવાર નિમિત્તે જાહેર જનતા તથા વેપારી વર્ગ જેમાં ખાસ કરીને પતંગ બનાવનાર તથા દોરા સુતનાર માટે વહેલી ટકે આગોતરી જાહેરાત કરવામાં આવે એવી માગ કરી છે. જેને લઈને આમ જનતા ઉત્તરાયણના તહેવાર નિમિત્તે યોગ્ય સમયસર તૈયારી કરી શકે તેમજ મહામારીનું ધ્યાન રાખીને ખરીદી કરી શકે. આ ઉપરાંત કોરોનાની મહામારીને લઈને લાંબા સમયથી બેકારી અને મંદીનો સામનો કરી રહેલા વેપારીઓને પણ ઉત્તરાયણના તહેવારમાં ધંધો રોજગાર મળશે કે નહિ એનો અંદાજ આવતા એ પ્રમાણે ખરીદી કરી શકે. જેથી મંદીમાં નુકશાની ભોગવવી પડે નહિ. એની સાથોસાથ પડતા પર પાટુ વાગવા જેવી સ્થિતિ સર્જાય નહિ. આ માટે ઉત્તરાયણને લાગતું જાહેરનામું સત્વરે બહાર પાડવા કોંગ્રેસની મહિલા આગેવાનના નેતૃત્વમાં મહિલાઓએ આવેદનપત્ર પોલીસ ભવન ખાતે આપ્યું હતું.