વડોદરા, તા.૧૫

સરકારી સાહસોનું ખાનગીકરણ અને કૃષિ કાયદાના વિરોધમાં સંયુક્ત કામદાર સમિતિ સંયુકક્ત ટ્રેડ યુનિયન અને સંયુક્ત કિસાન મોરચા દ્વારા કલેકટર કચેરીની બહાર દેખાવો યોજી ખાનગીકરણની પ્રક્રિયા રદ કરવામાં આવે, ત્રણ કૃષિબિલ પાછા ખેંચવામાં આવે અને મોંઘવારી સામે તાત્કાલિક પગલાં લેવાની માગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખાનગીકરણના વિરોધમાં રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓ બે દિવસીય હડતાળ પર ઉતર્યા છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ઝડપથી સરકારી સાહસો અને એકમોના ખાનગીકરણ અને કોર્પોરેટિકરણનો વિરોધ કર્યો હતો. વડોદરાના વિવિધ ટ્રેડ યુનિયનોની સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત કિસાન મોરચા દ્વારા પ્લેકાર્ડ, બેનર્સ સાથે કલેકટર કચેરી બહાર ખાનગીકરણ અને કૃષિબિલનો વિરોધ કરીને સૂત્રોચ્ચાર સાથે દેખાવો યોજ્યા હતા.

જિલ્લા કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા એકતરફ આત્મનિર્ભરતાની વાતો કરાય છે પરંતુ બીજી બાજુ અસંખ્ય સરકારી સાહસોને ખાનગીકરણ અને વિદેશી મૂડીને વેચીને કોર્પોરેટ ઉદ્યોગોને સોંપાઈ રહ્યા છે. સંરક્ષણ ક્ષેત્રમાં પણ ૧૦૦ ટકા વિદેશી મૂડીરોકાણની છૂટ આપી દેવામાં આવી છે. રેલવે, બીએસએનએલ, બીપીસીએલ, કોલસા, વીજળી, એલઆઈસી, ખેતી અને ખેતપેદાશોને ખાનગીકરણ કરી કોર્પોરેટ ઉદ્યોગગૃહોને સોંપવા માટેના કાયદાકીય ફેરફારો અને સુધારા કરાઈ રહ્યા છે.

જ્યારે સહકારી અને સરકારી બેન્કોના પહેલા મર્જર કર્યા બાદ ખાનગીકરણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ખાનગીકરણની પ્રક્રિયા બદ કરવામાં આવે, કામદાર વિરોધ ચાર કોડ બિલને રદ કરવામાં આવે, ત્રણ કૃષિબિલ પાછા ખેંચવામાં આવે, મોંઘવારી સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવે, રોજગારીની નવી તકો ઊભી કરીને તમામને રૂા.૨૧,૦૦૦ લઘુતમ વેતન આપવા તેમજ બેરોજગારોને રૂા.૧૦,૦૦૦ બેરોજગારીભથ્થુ આપવાની માગ સાથે વડાપ્રધાનને સંબોધીને કરેલ આવેદનપત્ર આપ્યું હતું.