વડોદરા,તા.૬ 

દંતેશ્વરમાં વળતર અપાય તો અન્ય કપાત જમીનોનું વળતર આપવા માગ કરવામાં આવી હતી.કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રશાંત પટેલની આગેવાની હેઠળ કોંગ્રેસના કાઉન્સિલરો અને કાર્યકરો દ્વારા પાલિકાના કમિશ્નરને સ્થાયી સમિતિમાં રજુ થયેલ દંતેશ્વર રે.સ.નં.૩૯૫ની જમીનનાં બમણાં ભાવ પ્રમાણે વળતર આપવાના કામને રદ કરવું અને જો આ કામ મંજુર કરે તો તેની સાથે-સાથે તમામ અસરકર્તાઓ કે જેઓને ઓછું વળતર મળેલ છે તેમને પણ આ કાયદા મુજબ વળતર ચુકવી આપવા માગ કરી છે. આ ઉપરાંત તેઓએ પાલિકાના મેયર ડો.જિગીષાબેન શેઠની કચેરી બહાર પણ તેઓની ગેરહાજરીમાં આવેદનપત્રની નકલ અને પોસ્ટર ચિપકાવીને આક્રોશ વ્યક્ત કર્યો હતો.જેમાં પાલિકા દ્વારા મંજુર થયેલ રસ્તા રેષામાં આવેલ રે.સ.નં.૩૯૫ના અરજદારને રૂ.૫,૪૬,૯૧,૫૦૦/- વળતર ચુકવવા અંગેની દરખાસ્ત આવેલ છે. જત્રીનું ડબલ વળતર આપવું હોય તો એમની પાસેથી ૪૦ ટકા જમીન લેવી જોઇએ. આ ગેરકાયદેસર કામ હાથ પર લેવામાં આવે છે તેની પાછળનું કારણ શું ? આ કામ પાછળ કોનું હિત સમાયેલું છે ? આ કામ પાછળ ખુબજ મોટા પાયે ભ્રષ્ટાચાર સમાયેલો હોય તેવું આ કામ જોતાં જણાઇ આવે છે. એમ તેઓએ જણાવ્યું છે. આમ દંતેશ્વરની ૨૦ વર્ષ પહેલાની સંપાદિત જમીનની અધધ ચુકવણીના મામલે શાસક પક્ષ ભાજપના બે જૂથો આમને સામને આવી ગયા છે. પરંતુ વિપક્ષે પણ ઝંપલાવતા વિવાદ વધુ ઘેરો બન્યો છે. જમીનનું વળતર ચૂકવવા મુખ્યમંત્રીના આદેશની ચર્ચા

પાલિકાની સ્થાયી સમિતિમાં જે દંતેશ્વરની જમીનનું વળતર ચુકવવાની દરખાસ્ત આવી છે. એ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના કહેવાથી આવી હોવાની ચર્ચા પાલિકાના અંતરંગ વર્તુળોમાં થઇ રહી છે. રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ અને મુખ્યમંત્રી વચ્ચે બંધ બારણે આ બાબતની ચર્ચા વિચારણા પછીથી એને મંજુર કરવાનો આખરી ર્નિણય લેવાયાનું ચર્ચાય છે.