વડોદરા, તા.૨૨ 

એમ.એસ.યુનિ.ના વિદ્યાર્થીઓને ડીએસડબલ્યુ સ્કોલરશિપ માટે રૂબરૂ બોલાવી ઈન્ટરવ્યૂ શક્ય નથી પરંતુ ઓનલાઈન ઈન્ટરવ્યૂ લઈને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવાની માગ સાથે એબીવીપીએ રજિસ્ટ્રારને આવેદનપત્ર આપ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, યુનિ. તરફથી મળતી ડીએસડબલ્યુ સ્કોલરશિપ સાચા અર્થમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગમાં આવે છે, સાથે સાથે વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રોત્સાહન પણ મળતું રહે છે. આ સ્કોલરશિપ હાલ મહત્ત્વ ધરાવે છે. કોરોના મહામારીમાં ઘણા પરિવારો આવકવિહોણા થયા છે. પરંતુ યુનિ. તરફથી એ સૂચન કરવામાં આવ્યું છે કે રૂબરૂ ઈન્ટરવ્યૂ શક્ય ન હોવાના કારણે ડીએસડબલ્યુ સ્કોલરશિપ આ વરસે વિદ્યાર્થીઓને મળવાપાત્ર રહેશે નહીં. જાે આવું કરવામાં આવશે તો જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના શિક્ષણ અને માનસિક સ્થિતિ પર માઠી અસર પડશે. સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ સાથે ઓફલાઈન ભણતર શરૂ થઈ શકે એમ છે. તો ઓફલાઈન ઈન્ટરવ્યૂ પણ શક્ય જ છે અને જાે યુનિ. ઓનલાઈન લેકચર લઈ શકે છે, ઓનલાઈન પરીક્ષા લઈ શકે છે. તો ઈન્ટરવ્યૂ પણ ઓનલાઈન લેવા જ જાેઈએ તેવી માગ કરી છે.