અમદાવાદ, અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરોએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પત્ર લખીને ૧૨૦૦ બેડ કોવિડ હોસ્પિટલમાં કોરોના ડ્યુટી બદલ સ્ટાઇપેન્ડમાં વધારો કરવા માંગ કરી છે. તેમજ કોવિડ ડ્યુટી બદલ પ્રોત્સાહનરૂપે સરકાર ઇન્સેન્ટિવ પણ આપે તેવી રજૂઆત કરવામાં આવી છે. સ્ટાઇપેંડ પેટે ઇન્ટર્ન ડોક્ટરોએ ૨૦,૦૦૦ રૂપિયા ચૂકવવા વિનંતી કરી છે. હાલ બી.જે. મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરોને ૧૨,૮૦૦ રૂપિયા સ્ટાઇપેંડ પેટે ચૂકવવામાં આવે છે. ત્યારે ઈન્ટર્ન ડોક્ટરોએ આ રકમમાં વધારો કરવા કહ્યું છે. આ સ્ટાઇપેંડમાં વધારો એપ્રિલ મહિનાથી કરી એરિયર્સરૂપે પણ રકમ ચુકવવા વિનંતી કરી છે. એપ્રિલ મહિનાથી ઈન્ટર્ન તબીબો સતત કોવિડ ડ્યુટી કરી રહ્યાં છે. ત્યારે ઇન્ટર્ન ડોક્ટરોની ઇન્ટર્નશીપ ફેબ્રુઆરી મહિનામાં પૂર્ણ થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ અન્ય રાજ્યોની હોસ્પિટલમાં કોવિડ ડ્યુટી બદલ ઇન્સેન્ટીવ ચૂકવવામાં આવે છે.