વડોદરા,તા.૫  

વડોદરા મહાનગર પાલિકા દ્વારા તાજેતરમાં વિવિધ પ્લોટોની હરાજી કરીને સાત પ્લોટોનું વેચાણ કર્યું હતું. આ પૈકી ત્રણ પ્લોટોની હરાજીને લઈને વિવાદ સર્જાયો છે, પાલિકાના કમિશ્નરને આરટીઆઈ એક્ટિવિસ્ટ અતુલ ગામેચીએ રજૂઆત કરીને એવી માગ કરી છે કે આ જમીનોની હરાજીમાં ૩ હરાજી એવી છે જેમાં એકજ વ્યક્તિ બોલી બોલી છે.

આવી ૩ પ્લોટોની હરાજી રદ્દ કરીને એની પુનઃ હરાજી કરવાની માગ કરી છે. તેઓએ આ અંગે પાલિકાના કમિશ્નરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે પાલિકા દ્વારા કરોડોની આવક સાથે નફો કમાવવાને માટે અવારનવાર વિવિધ જમીનોના પ્લોટોની હરાજી કરવામાં આવે છે. જેના ભાગરૂપે તાજેતરમાં ત્રીજી નવેમ્બરના રોજ ૨૭ જેટલા પ્લોટોની હરાજી ગાંધી નાગરગૃહ ખાતે યોજવામાં આવી હતી.

જેમાં શહેરના ૨૧ બિલ્ડરોએ ભાગ લીધો હતો. જેઓએ સાત પ્લોટોને હરાજીમાં બોલી બોલીને ખરીદ્યા હતા. જે પૈકી ત્રણ પ્લોટમાં જેમાં માંજલપુરના બે અને દંતેશ્વરના એક પ્લોટમાં એક જ વ્યક્તિ દ્વારા રસ દાખવીને પ્લોટોની ખરીદી કરવામાં આવી હતી. જેને લઈને આવા પ્લોટોની હરાજીમાં કોઈપણ પ્રકારની રસાકસી ન થતા જોઈએ એવા ભાવો પાલિકાને ન મળતા ભારે આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. જેથી જે પ્લોટમાં હરીફાઈ ન થઇ હોય અને પાલિકાને કોઈપણ પ્રકારનો આર્થિક નફો થયો ન હોય અને ખોટ જ જાય છે. તમામ પ્લોટની હરાજી રદ્દ કરી અન્ય ૨૦ પ્લોટની જ્યારે પણ હરાજી થાય ત્યારે ફરીથી પ્લોટોને પણ હરાજીમાં મુકવા જોઈએ એવી માગ કરી છે. પાલિકાના પ્લોટની ખરીદી કરીને મંત્રી બે કરોડ જેટલી વધુ રકમ આપતા હોય ત્યારે આ બાબતનો વિચાર કરવો જોઈએ. તેઓએ જન મહેલ અને અન્ય બાબતો તાકીને સિંગલ બીડની બાબતમાં ઊંડો વિચાર કરવાનું સૂચન કર્યું હતું. તેઓએ બે દિવસમાં આ બાબતનો ર્નિણય લઈને એક જ પાર્ટીની બોલીના ત્રણે પ્લોટોની હરાજી રદ્દ કરવાની માગ કરી છે. તેમજ જો આ અંગે યોગ્ય ર્નિણય લેવામાં આવશે નહિ તો હાઇકોર્ટના દ્વાર ખખડાવીને પડકારાશે એવી ચીમકી પણ ઉચ્ચારી છે.