માંડવી, તા.૨૮ 

માંડવી એસ.ટી. બસસ્ટેન્ડ પરની દુકાનો લોકડાઉન દરમ્યાન બંધ હોવા છતાં નિગમ દ્વારા વ્યાજ સાથે ભાડું માંગતી નોટિસ અપાતા દુકાન ધારકોમાં રોષ જાગ્યો હતો. માંડવી નગરપાલિકાના માજી પ્રમુખ જગદીશ પારેખના વડાપણા હેઠળ એસ.ટી. ની બેધારી નીતિનો વિરોધ કરી જો તેઓને ન્યાય ન મળે તો હાઇકોર્ટ ના દરવાજા ખટખટાવવાનું જણાવવામાં આવ્યું હતું.

    હાલમાં ચાલી રહેલ કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના કારણે ભારત સરકારે લગભગ અઢી મહિના જેટલું લોકડાઉન જાહેર કર્યું હતું. જેમાં અમુક દુકાનો સંપૂર્ણ પણે બંધ રાખવાનો આદેશ સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. તેમજ સરકાર દ્વારા દુકાનના માલિકોને દુકાન ધારકો પાસે ભાડાની માંગણી ન કરવા પણ જણાવ્યું હતું. પરંતુ માંડવી એસ.ટી. નિગમ દ્વારા બસ્ટેન્ડમાં આવેલ દુકાન ધારકો પાસે દુકાન બંધ હોવા છતાં લગભગ ૩ મહિનાનું ભાડાની વ્યાજ સહિત માંગણી કરતી નોટિસ આપતા દુકાન ધારકોમાં આક્રોશ વ્યક્ત થયો હતો. જેથી બસ સ્ટેન્ડના તમામ દુકાન ધારકોએ માંડવી નગર અગ્રણી અને માંડવી નગર પાલિકાના માજી પ્રમુખ જગદીશભાઈ પારેખના વડાપણામાં નિગમ અને અધિકારીઓની માનવતા વિરોધની કાર્યવાહી અને અધિકારીઓનાં ઉદ્ધત વર્તનનો વિરોધ કરતા મોર્ચો માંડ્‌યો હતો. જગદીશભાઈ પારેખે જણાવ્યું હતું કે કોરોના જેવી મહામારીમાં પણ નિગમની આ માનવતા વિરોધની નીતિ દુકાન ધારકોને દુષ્પ્રેરણા આપી રહી છે. એસ.ટી. નિગમ દુકાન ધારકો પાસે ૭ મહિનાનું ભાડું એડવાન્સ ઉઘરાવવા છતાં મહામારી સમયમાં વ્યાજ સહિત ભાડાની માંગણી કરી સરકારના આદેશનું ઉલંઘન કરી રહી છે.