વડોદરા : ગઈકાલે પાલિકાના વોર્ડ નં.૯ના સફાઈ કર્મચારીનું કોવિડની રસી લીધા બાદ શંકાસ્પદ મોત નીપજતાં ભારે વિવાદ સર્જાયો હતો. જેના પગલે આજે વડોદરા મહાનગરપાલિકા કર્મચારી યુનિયનના લીડર અને સફાઈ કામદાર સંઘર્ષ સમિતિના પ્રમુખ હોસ્પિટલના કોલ્ડરૂમ ખાતે દોડી આવ્યા હતા અને સેવાસદનના અધિકારીઓ સમક્ષ રૂા.૧ કરોડની અને મૃતકની પત્નીને નોકરી આપવા માટે ઉગ્ર માગણી કરી હતી. જાે કે, મ્યુનિ. કમિશનરે કેટલીક માગણી પૂર્ણ કરવાની હૈયાધારણ આપતાં મામલો થાળે પડયો હતો અને મૃતક જિજ્ઞેશ સોલંકીનું પેનલ મોસ્ટમોર્ટમ હાથ ધરી મોડી સાંજે મૃતદેહને અંતિમક્રિયા માટે પરિવારજનોએ સ્વીકાર્યો હતો. જાે કે, હાલના તબક્કે તબીબોએ જિજ્ઞેશ સોલંકીના મોતનું કારણ કોઝ ઓફ ડેથ પેન્ડિંગ રાખ્યું છે અને તેના વિસેરા સેમ્પલો લેવામાં આવ્યા હતા.

આ બનાવની વિગત અનુસાર વડસર રોડ પર ઓમ રેસિડેન્સીમાં રહેતો જિજ્ઞેશ પ્રવીણભાઈ સોલંકી (ઉં.વ.૩૦) પત્ની દિવ્યાબેન અને તેના બે નાના સંતાનો સાથે રહેતો હતો અને પાલિકાના વોર્ડ નં.૯માં સફાઈસેવક તરીકે કાયમી નોકરી કરતો હતો. જાે કે, હાર્ટએટેકનો દર્દી હોઈ તેને ગઈકાલે કોવિડની રસી લીધી હતી, તે બાદ તે ઘરે ગયો હતો અને બપોરના સમયે ઘરે હાજર હતો તે દરમિયાન તે અચાનક બેભાન થઈ ગયો હતો. જેથી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જેથી પરિવારજનો અને સગાંસંબંધીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા, જ્યાં તેમને કોવિડની રસીને કારણે જિજ્ઞેશ સોલંકીનું મોત થયું હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા અને હોસ્પિટલમાં ભારે હંગામો મચાવ્યો હતો. એટલું જ નહીં, મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે કોલ્ડરૂમમાં લઈ જવા માટે રોકી રાખવામાં આવ્યો હતો અને પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીને બોલાવવાની જીદ કરી હતી. જાે કે, પોલીસ અને પાલિકાના આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન અને અન્ય અગ્રણીઓ આવી પહોંચ્યા બાદ તટસ્થ કાર્યવાહીની હૈયાધારણ આપતાં મૃતદેહને કોલ્ડરૂમમાં ખસેડવામાં આવ્યો હતો અને પેનલ પોસ્ટ મોર્ટમની માગણી કરી હતી.

જાે કે, આજે સવારે પાલિકાના સફાઈ કર્મચારી યુનિયન લીડર, સફાઈ કામદાર સંઘર્ષ સમિતિ અને સમાજના અગ્રણીઓ કોલ્ડરૂમ ખાતે દોડી આવ્યા હતા અને પેનલ પોસ્ટ મોર્ટમની પ્રક્રિયા અટકાવી નાના બાળકો માટે રપ-રપ લાખ અને પત્નીને પ૦ લાખ તેમજ નોકરીની માગણી કરી રૂા.૧ કરોડની સહાયની માગણી દોહરાવી હતી. જાે કે, મ્યુનિ.ના સત્તાધીશોએ કેટલીક માગણીઓને પૂર્ણ કરવાની હૈયાધારણ આપતાં મામલો થાળે પડયો હતો અને ઉચ્ચ પોલીસ અધિકારી અને ડે. મ્યુનિ. કમિશનર સુધીર પટેલની ઉપસ્થિતિમાં પોસ્ટમ મોર્ટમ થયા બાદ પરિવારજનોને અંતિમક્રિયા માટે પત્નીને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.

વધુ બે સફાઈસેવકને ખાનગી હોસિ્‌૫ટલમાં દાખલ કરાયાં

પાલિકાના વોર્ડ નં.૯માં ફરજ બજાવતા વધુ બે સફાઈસેવકને રસીની આડઅસર ઃ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ

વડોદરા. પાલિકાના વોર્ડ નં.૯માં સફાઈસેવક કર્મચારી જિજ્ઞેશ સોલંકીનું મોત થયા બાદ વધુ બે સફાઈસેવકોએ કોવિડની રસી લીધા બાદ તેની આડઅસર થતાં તેમને શહેરની ખાનગી ફતેગંજ સ્થિત નરહરિ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. અસરગ્રસ્ત ગણપત કાનજીભાઈ સોલંકી અને રાકેશ રમાકાંત સોલંકીએ કોવિડની રસી અધિકારીઓએ જબરજસ્તી અને નોકરી પરથી છૂટા કરવાની ધમકી આપ્યાના આક્ષેપો કર્યા હતા. ગણપતભાઈને ચક્કર આવતા હોવાની ફરિયાદ, જ્યારે રાકેશ રમાકાંતભાઈને ચક્કર આવવા સાથે એક પગ જકડાઈ ગયો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જાે કે, આ બંને અસરગ્રસ્ત ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.