વડોદરા, તા.૨૨ 

વડોદરા જિલ્લાના ખેડુતોને સતત વરસાદના કારણે ભારે આર્થિક નુકસાન થયુ છે. આ તમામ ખેડુતોને સરકાર દ્વારા જાહેર કરાયેલ ખેડુત નુકસાન વળતર યોજનામાં સર્વે કરી સમાવેશ કરવા અને યોજનાનો લાભ આપવાની માંગણી સાથે ડભોઈ,સાવલી,પાદરાના ધારાસભ્યોએ સંયુક્ત રીતે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.

વડોદરા જિલ્લાના ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર, પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢિયાર સહિત જિલ્લાના ધારાસભ્યોએ મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, હાલ ચોમાસાની ઋતુમાં વધુ વરસાદ પડવાના કારણે ખેડુતોને ખેતીમાં ભારે નુકસાન થયુ હતુ.ખેડુતોને થયેલા નુકસાન અંગે સરકારે રૂા.૩૭૦૦ કરોડનુ આર્થિક વળતર પેકેજની જાહેરાત કરી છે.જે ખેડુતલક્ષી ખુબ સારો નિર્ણય છે. પરંતુ સરકારે પેકેજ અંતર્ગત જાહેર કરેલા ૨૦ જિલ્લાના ૧૨૫ તાલુકાઓમાં વડોદરા જિલ્લાને બાકાત રાખવામાં આવ્યો છે.

વડોદરા જિલ્લામાં નર્મદા ડેમમાંથી પાણી છોડાતા સર્જાયેલી પૂરની સ્થિતી, વિશ્વામિત્રી નદી તેમજ ઢાઢર સહિત નદી તેમજ પાદરા તાલુકામાં ભારે વરસાદને કારણે જ્યારે સાવલી-ડેસર તાલુકામાં અને છોટાઉદેપૂરમાં પણ ભારે વરસાદને કારણે ખેડુતને મોટુ નુકસાન થયુ છે.જેથી બાકાત રાખવામાં આવેલા વડોદરા જિલ્લાને આવરી લઈને જિલ્લા ખેતિવાડી વિભાગના સબંધિત અધિકારીને સુચના આપી સર્વે કરાવીને ખેડુતોને નુકસાન વળતર ચુકવવાની માંગ કરી હતી.ઉલ્લેખનિય છે કે, ભારે વરસાદ અને પૂરની સ્થિતીમાં વડોોદરા જિલ્લાના અનેક ગામો, ખેતરોમાં પાણી ભરાતા ભારે નુકસાન થયુ હતુ.