વડોદરા : સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા આઉટસોર્સના વર્ગ-૪ના કર્મચારીઓએ પગારની અનિયમિતતા તથા બે માસનો પગાર ચૂકવવામાં ન આવવાના મુદ્દે કર્મચારીઓએ ગઈકાલે રેલીસ્વરૂપે કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી બે માસનો પગાર કરાવવાની ઉગ્ર માગ કરી હતી. આજે આઉટસોર્સમાં ફરજ બજાવતી નર્સો દ્વારા પોતાના પગાર સમયસર થાય તે માટે હોસ્પિટલના અધિક્ષક કચેરીની બહાર દેખાવો યોજી અધિક્ષક સમક્ષ માગ કરી હતી. આ કર્મચારીઓને બે માસથી પગાર આપવામાં ન આવતાં પગાર ઉપર જ નભતા કર્મચારીઓના પરિવારની હાલત કફોડી બની છે અને ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે. નર્સિંગ કર્મચારીઓએ આજે તેમને આપવામાં આવતા અનિયમિત પગાર અને બે મહિનાથી પગાર નહીં ચૂકવાતાં પગારના મુદ્દે અધિક્ષક ડો. રંજન ઐયરને રજૂઆત કરી હતી અને આ જટિલ સમસ્યાનો યોગ્ય નિકાલ કરવાની માગણી કરી છે. બે-ત્રણ દિવસમાં યોગ્ય ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.