વડોદરા, તા.પ

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ર૦૦થી વધુ ધમણ-૧ પ્રકારના મશીનો ધૂળ ખાતાં હાલતમાં પડી રહ્યાના મુદ્‌ે આજે શહેર કોંગ્રેસ મહિલા અગ્રણી અને મ્યુનિ. કાઉન્સિલર અમી રાવતે કલેકટરને આવેદન આપીને વેન્ટિલેટરો દબાવીને બેઠેલા લોકો સામે કાર્યવાહી કરવા અને ન્યાયિક તપાસ કરાવવા અંગે રજૂઆત કરી હતી.

રાજ્યના મોટા શહેરોમાં જીવલેણ કોરોનાના કટોકટીના સમય ચાલી રહ્યો છે. આ ઉપરાંત કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સામે સારવારના વેન્ટિલેટર, ઓક્સિજન, રેમડેસિવિર ઈન્જેકશનોની અછત વર્તાઈ રહી છે તેમજ રાજ્યની જનતા વેન્ટિલેટર અને બેડ માટે વલખાં મારી રહી છે તેવા સમયે મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટ સ્થિત સિવિલ હોસ્પિટલમાં ૨૦૦થી વધુ સ્વદેશી હોમપેડ ધમણ-૧ પ્રકારના વેન્ટિલેટર ધૂળ ખાતાં પડી રહ્યા હતા જે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ રાજકોટની સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન જાણવા મળ્યું હતું. જે બાદ ગાયત્રીબા વાઘેલાએ હોસ્પિટલના સુપ્રિ. સાથે વાતચીત કર્યા બાદ જ્યાં ધમણ વેન્ટિલેટરો રાખવામાં આવ્યા હતા તે સ્થળની મુલાકાત લીધી હતી, જ્યાં ભંગાર અને મૃતઃપ્રાય જેવી હાલતમાં ધમણ વેન્ટિલેટર પડેલા નજરે પડયા હતા. આ બનાવથી રાજ્યના આરોગ્ય વિભાગની બેદરકારીની પોલ છતી થઈ હતી અને વેન્ટિલેટરો દબાવી બેઠેલા જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. જે અંતર્ગત આજે શહેર કોંગ્રેસના અગ્રણી અને પાલિકાના મહિલા કાઉન્સિલર અમી રાવતે કોંગ્રેસ કાર્યકર્તા મહિલાઓ સાથે જિલ્લા કલેકટરને આવેદન આપી ધમણ વેન્ટિલેટરને દબાવીને બેઠલાઓ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી.