વડોદરા -

ઉત્તર પ્રદેશમાં થયેલા દુષ્કર્મ અને હત્યાના બનાવના આરોપીઓને કડક સજા આપવાની માગ સાથે યુવા જનજાગૃતિ પાર્ટી અને ઈન્કલાબ સેનાએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, દિવસે ને દિવસે દેશમાં દુષ્કર્મોની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે અને દુષ્કર્મના આંકડાઓ વધી રહ્યા છે. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના હાથરસમાં ચાર હેવાનો દ્વારા ૧૯ વર્ષીય દલિત યુવતી સાથે ગેંગરેપ કરી તેની જીભ કાપી દેવામાં આવી હતી અને આખરે પીડિતા જિંગીની જંગ હારી ગઈ હતી. આવી તો અનેક ઘટનાઓ દેશમાં રોજબરોજ બનતી હોય છે. નારીનું જ્યાં પૂજન થાય છે એવી આ ભારત દેશની સંસ્કૃતિ છે, ત્યાં જ બીજી બાજુ બળાત્કાર જેવી નીચ હરકત વડે નારીના સન્માન અને અસ્મિતાના ધજાગરા ઉડાડવામાં આવે છે. પ્રધાનમંત્રીએ જે રીતે ઘણા ઐતિહાસિક નિર્ણયો લીધા છે તેમ નારીના સન્માન અને તેની અસ્મિતા જાળવવા માટે બળાત્કાર જેવા દુષ્કર્મ સામે પણ કડક સજા કરવામાં આવે તેવી માગણી કરી છે.