ખેડબ્રહ્મા : સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકા મટોડા ગામે લાખો રૂપિયાના ખર્ચે સરકાર દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. આ આરોગ્ય કેન્દ્ર તાલુકા વિસ્તારના રપ કરતાં પણ વધુ ગામોના લોકો માટે આશીર્વાદરૂપ છે. પરંતુ આ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અધિક્ષક, એક્સ-રે ટેકનિશિયન, ફિઝિયોથેરાપિસ્ટ, ગાયનેક ડોકટર, ક્લાર્કની જગ્યાઓ ખાલી છે જે ભરવા માટે ગામલોકોએ વારંવાર રજૂઆતો કરી છે. તેમ છતાં હજુ સુધી કોઈ આ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પડતી મુશ્કેલીઓ નિવારવા માટે કોઈ પગલાં ભરાતાં નથી. 

ખેડબ્રહ્મા તાલુકાના મટોડા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર આવેલ છે. આ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મટોડા ગામ તેમજ આજુબાજુના રપ કરતાં પણ વધુ ગામોના આદિવાસી સમાજના લોકો દવા, સારવાર માટે આવતા હોય છે. અદ્યતન સુવિધાઓ હોવા છતાં બે વર્ષથી અધિક્ષકની જગ્યા ખાલી છે. એક્સ-રે ટેકનિશિયન ત્રણ વર્ષથી, ફિઝિયોપેરાપિસ્ટ ડોકટર ત્રણ વર્ષથી, લેબોરેટરી ટેકનિશિયન કાયમી જગ્યા ખાલી છે તેમજ ક્લાર્કની જગ્યા પણ ખાલી છે. હાલમાં વડાલી સામુહિક આરોગ્ય કેન્દ્રમાંના ક્લાર્કને ચાર્જ સોંપવામાં આવેલ છે. રોજના હાલમાં ૧ર૦ કરતાં વધુ દર્દીઓ દવા, સારવાર માટે આવે છે તેમજ ડિલિવરી માટે એક મહિનામાં ૬પ જેટલી મહિલાઓ આવે છે. પરંતુ ગાયનેક ડોકટર ન હોવાથી તકલીફ વધારે રહે છે. મટોડા ગામ તેમજ આજુબાજુના આદિવાસી સમાજના લોકો જણાવે છે કે ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં ડો. અશ્વિન ગઢવી જે ગાયનેક છે. તેમને મટોડા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અગાઉ ચાર્જ હતો તેમ ફરીથી આપવામાં આવે તેવી રજૂઆતો કરાઈ છે. હાલમાં કોવિડ સેન્ટર પણ બની રહ્યું છે. સત્વરે તમામ જગ્યાઓ ભરવામાં આવે તેમજ ગાયનેક ડોકટરને તાત્કાલિક ચાર્જ આપવામાં આવે તેવી માગણી કરાઈ છે.