વડોદરા,તા.૨૩  

વડોદરા કલેકટર શાલિની અગ્રવાલે અગોરા બિલ્ડરના બાંધકામ અને ગેરકાયદેસર દીવાલ બાબતે સંપૂર્ણ પુરાવા સહિતનો વિવિધ ખાતાઓની તપાસ ,સ્થળની માપણી,નકશા સહિત ઝીણવટભર્યો તપાસનો અંતિમ અહેવાલ મ્યુનિ.કમિશનર નલિન ઉપાધ્યાયને સોંપ્યો છે.જે અહેવાલને આધારે તથા જુદી જુદી ઓથોરીટીની સમીક્ષા કરી ગુણદોષના આધારે આગળની કાર્યવાહી કરવાની પાલિકાના કમિશ્નરને સૂચના આપી છે. આ સંદર્ભે જાગો વડોદરાના અમી રાવત અને નરેન્દ્ર રાવત દ્વારા પાલિકા કમિશ્નર નલિન ઉપાધ્યાયને કલેકટરના આદેશ પ્રમાણે આગોરા બિલ્ડરની વિશ્વામિત્રી નદી તથા નદીના પટમાં સરકારી જમીનમાં વિના પરવાનગીએ ગેરકાયદેસર બાંધેલી દીવાલને તોડવાનો તાત્કાલિક હુકમ કરવાની માગણી કરી હતી.જેના જવાબમાં પાલિકા કમિશનરે ટુક સમયમાં જવાબ અને પગલાં બાબતે જણાવશે તેવી ખાત્રી ઉચ્ચારી છે.આ ઉપરાંત સમા-સંજયનગરની જમીનમાં શહેરી ગરીબોના આવાસ માટેની મુખ્યમંત્રી આવાસ યોજનામાં ડેવલપર માનવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (આગોરા બિલ્ડર) દ્વારા યોજનામાં વિશ્વામિત્રી નદી, જૂની નદી તથા નદીના પટ અને કોતરમાં સરકારી જમીનમાં ૩૩ મીટર અંદર દીવાલ સાથે અન્ય બાંધકામ કરી ગેરકાયદેસર દબાણ બાબત પણ રજૂઆત કરી છે. જેમાં તેઓએ સમા-સંજયનગર ખાતે શહેરી ગરીબોના આવાસ માટેની મુખ્યમંત્રી આવાસ યોજનામાં ડેવલપર દ્વારા યોજનામાં વિશ્વામિત્રી નદી,જૂની નદી તથા નદીના પટ-કોતરમાં સરકારી જમીનમાં ૩૩મીટર અંદર દીવાલ સાથે અન્ય બાંધકામ કરી ગેરકાયદેસર દબાણના સરકારી ચોક્કસ પુરાવા હોવાના નાતે અને તે બાંધકામની પરમીશન કોઈ સક્ષમ સત્તાધીશે કે સરકારે આપી નથી તે હકીકત જોતાં તેને તાત્કાલિક તોડી પાડી, બિલ્ડર પર સરકારી જ્મીન પર ગેરકાયદેસર વિના પરમિશને બાધકામ અને કબ્જા બાબતે ફોજદારી કાર્યવાહી કરવા માંગણી પણ કરી છે. આ આવેદનમાં કલેકટરની તપાસનો સંપૂર્ણ એહવાલ અને પાલિકાના કમિશ્નરને ગેરકાયદેસર દબાણની તપાસ કરી કાર્યવાહી કરવાની સુચનાનો પત્ર તથા સરકારી જમીન છે તેના સરકારી પુરાવા આરટીઆઈ અંતર્ગત મેળવેલા છે તે જોઈ કાર્યવાહી કરવા પણ માંગણી કરી છે. તેમજ વિવિધ પ્રશ્નોના જવાબ આપવા રજૂઆત કરી છે.