વડોદરા -

વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં ડિસેમ્બર ૨૦૧૮થી સર્જાયેલી દુષિત પાણીની સમસ્યા પોણા બે વર્ષ પછીથી પણ યથાવત રહેવા પામી છે. જેને લઈને આ વિસ્તારના છ લાખ ઉપરાંત રહીશો હેરાન પરેશાન થઇ ગયા છે. આ બાબતે પાલિકા સમક્ષ અવારનવાર રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી.જેને લઈને સમસ્યા યથાવત રહેવા પામી છે. આ વિસ્તારોમાં આવેલ વિવિધ જગ્યાઓએ છાસવારે દુષિત પાણીની સમસ્યા ઉભી થાય છે. ત્યારે તંત્ર દ્વારા માત્ર દેખાડા પૂરતી કામગીરી કરીને હંગામી ધોરણે એનો નિકાલ લાવવામાં આવે છે. પરંતુ છ લાખ ઉપરાંત લોકો જેનાથી હેરાન પરેશાન થઇ ગયા છે. એ દુષિત પાણીની સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવાનો પ્રયાશ થતીઓ નથી. આને કારણે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ આજવા રોડ નારાયણ ધામ પાછળના પૂનમ નગરના રહીશો દ્વારા દુષિત પાણી અને પ્રાથમિક સુવિધાઓના અભાવને મામલે દેખાવો યોજી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તેઓએ આ અસુવિધાઓને લઈને પાલિકાના તંત્ર અને શાસકો સામે ઉગ્ર દેખાવો યોજ્યા હતા. સ્થાનિક રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ પ્રશ્નો બાબતે પાલિકાની સબંધિત કચેરીઓ અને સ્થાનિક શાસક પક્ષના નેતાઓ સમક્ષ અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ તેઓ દ્વારા હંમેશા ઠાલા આશ્વાસનો અપાયા છે. પરંતુ સમસ્યાના ઉકેલને માટે ક્યારેય નક્કર કામગીરી કરવામાં આવી નથી એવો આક્ષેપ કરીને આક્રોશ ઠાલવ્યો હતો.