વડોદરા : વડોદરા મહાનગરપાલિકામાં પાંચ વર્ષના ભાજપાના શાસનમાં અનેક ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસ દ્વારા પાલિકાની સામાન્યસભા પૂર્વે ગાંધી નગરગૃહની બહાર પ્લેકાર્ડ સાથે દેખાવો યોજ્યા હતા. કોંગ્રેસે સ્માર્ટ સિટીના નામે, આવાસ યોજનામાં, સ્ટ્રીટલાઈટ, પાણી-ડ્રેનેજ લાઈન, જનમહેલ, ૪૦ ટકા જમીન કપાત, ભરતી કૌભાંડ, ડામર કૌભાંડ, વિશ્વામિત્રીમાં દબાણ હટાવવા સહિતના કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરી દેખાવો યોજ્યા હતા.  

શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે આ અંગે જણાવ્યું હતું કે, પ્રજાની બહુમતી મેળવી શાસન કરતી ભાજપ સરકાર પ્રજાને પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી શકી નથી. આ સમગ્ર પાંચ વર્ષ દરમિયાન સતત પ્રજાના પ્રશ્નો સામે આંખ આડા કાન કરીને પ્રજાને છેતરતી ભાજપ સરકાર સામે શહેર કોંગ્રેસ હંમેશાં પ્રજાના પ્રશ્નો માટે લડી છે. સતત પાંચ વર્ષ શહેર કોંગ્રેસ દ્વારા પ્રજાના અનેક મુદ્‌ાઓ માટે શાસકપક્ષ સામે ઝઝૂમી છે. પ્રજાને થતા અન્યાયના વિરોધમાં ઝઝૂમી છે અને જરૂર પડયે આંદોલન કરી પણ શાસક પક્ષની આંખો ખોલવાનો પ્રયાસ કર્યો છે. આ પાંચ વર્ષમાં ભાજપના શાસનમાં અનેક પ્રકારના ભ્રષ્ટાચારો આચરવામાં આવ્‌ઋયા છે. આ મુદ્‌ાઓ જેના માટે શહેર કોંગ્રેસે લડત આપી છે તેના પ્લેકાર્ડ થકી આજે ગાંધી નગરગૃહ ખાતે દેખાવો કરવામાં આવ્યા છે. પ્રજાની બહુમતીનો દુરુપયોગ કરતી ભાજપ સરકારને આ ફરી એક ચેતવણી છે. પ્રજાને પણ અમારી વિનંતી છે કે શહેરને અંધેર નગરી બનતાં અટકાવવું એ આપણી સૌની ફરજ છે. વોટ આપો તો કામનો હિસાબ પણ ચોક્કસ માગો.