19, જુલાઈ 2025
કોપનહેગન |
1782 |
આવું કરનાર દુનિયાનો પહેલો દેશ
ડેનમાર્ક દ્વારા તેમના કોપીરાઈટ કાયદામાં એક નવો સુધારો કરવામાં આવી રહ્યો છે. કોઈની પણ ક્રિએટીવિટી અને કામને પ્રોટેક્ટ કરવા માટેના કાયદામાં હવે લોકોના ચહેરા, અવાજ અને તેમના હાવભાવનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. જો આ બિલ પાસ થઈ ગયું તો કોઈ પણ વ્યક્તિનો અથવા તો તેના જેવા દેખાતા વ્યક્તિનો ફોટો અથવા તો વીડિયો તેમની પરવાનગી વગર શેર કરવો કાયદા વિરુદ્ધનું કામ હશે. સેલિબ્રિટીઝથી લઈને ટીચર અને સામાન્ય વ્યક્તિ દરેકનો એમાં સમાવેશ કરવામાં આવે છે. જો કોઈ પણ વ્યક્તિનો આ રીતે ફોટો અથવા તો વીડિયો શેર કરવામાં આવ્યો હશે તો એેને સોશિયલ મીડિયા પરથી હટાવવામાં આવશે અને એ માટે જે તે વ્યક્તિ વળતરની માંગણી પણ કરી શકશે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ખૂબ જ વાસ્તવિક વીડિયો, ફોટો અને અવાજ પણ બનાવી શકાય છે. આથી કોઈ પણ વ્યક્તિની નકલ કરવી હવે ખૂબ જ સરળ થઈ શકે છે. ડીપફેકનો ઘણી ખોટી રીતે ઉપયોગ કરી શકાય છે:
આ ડીપફેકની મદદથી કોઈ પણ વ્યક્તિએ લાઈફમાં કંઈ ન કર્યું હોય એ પણ કરાવી શકાય છે. પરવાનગી વગરની પોર્નોગ્રાફી ક્લિપ બનાવી શકાય, ખોટી માહિતી ફેલાવી શકાય અને સ્કેમ પણ કરી શકાય.
2023માં એટલે કે એક વર્ષમાં રિસર્ચર્સને 65,820 ડીપફેક વીડિયો ઑનલાઇન મળ્યા હતા. 2019 બાદ એમાં લગભગ 550 ટકાનો વધારો જોવા મળ્યો છે. એક સ્કેમમાં તો એક વ્યક્તિ પાસે 3250 પાઉન્ડ એટલે કે અંદાજે ₹3.76 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. એમાં સ્કેમર્સે ઇલોન મસ્ક બની તેના અવાજમાં તેની સાથે વાત કરી હતી.
ડેનમાર્કના કલ્ચર મિનિસ્ટર જેકોબ એન્જેલ-શિમિડ્ટ આ બિલ વિશે કહે છે, ‘આ બિલ દરેક વ્યક્તિને તેમના અવાજ અને તેમના ચહેરાનો પણ અધિકાર આપે છે. કોઈ પણ વ્યક્તિ તેમની પરવાનગી વગર એને કોપી નહીં કરી શકે.ઈમિટેશન મુજબ કોઈ પણ વ્યક્તિ કોઈના પણ ચહેરા, અવાજ અથવા તો તેના હાવભાવને ડિજિટલ ક્રિએટ કરી જાહેરમાં શેર નહીં કરી શકે. જ્યારે પરફોર્મન્સ પ્રોટેક્શન અંતર્ગત કોપીરાઈટ કાયદામાં અત્યાર સુધી જેનો સમાવેશ ન થતો હોય એ પ્રકારના નોન-વર્બલ દરેક વસ્તુનો પણ હવે એમાં સમાવેશ કરવામાં આવશે.