દિલ્હી-

ભારતીય સેનામાં જલદી મોટો ફેરફાર જાેવા મળી શકે છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સામે ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટ્રી અફેયર્સે સેનાના જવાનો અને સૈન્ય અધિકારીઓની રિટાયરમેન્ટ ઉંમર વધારવાની દરખાસ્ત કરી છે. આ સાથે પેન્શનને લઈ પણ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ જનરલ બિપિન રાવત સામે વિભાગે આ પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ સિવાય પેન્શનને લઈ વિભાગે કહ્ય્šં કે સમયથી પહેલા સેવા નિવૃત્તિ લેનાર અધિકારીઓની પેન્શન યોગ્યતાઓને સંશોધિત કરવામાં આવશે. એટલે કે તેમની પેન્શનમાં કાપ મૂકવામાં આવી શકે છે. માહિતી મુજબ આ બધી દરખાસ્તોને સેનામાં મેનપાવરના સર્વોચ્ચ ઉપયોગ માટે રજૂ કરવામાં આવી રહી છે. હાલના પ્રસ્તાવોનું સમર્થન કરવા માટે કેટલાક અન્ય પ્રસ્તાવ પાઇપલાઇનમાં છે.

ડિપાર્ટમેન્ટ મારફતે રજૂ કરવામાં આવેલ પ્રસ્તાવ મુજબ કર્નલ અને સમકક્ષોની સેવા નિવૃત્તિની ઉંમર 54થી વધારીને 57 કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ સિવાય બ્રિગેડિયર અને તેના સમકક્ષોની કામ કરવાની ઉંમરને ૫૬થી વધારીને 58 કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. આ સિવાય મેજર જનરલ્સ હાલ 58માંથી 59 વર્ષે નિવૃત્તિ લેશે. જ્યારે લેફ્ટિનેન્ટ જનરલની રિટાયરમેન્ટની ઉંમર 60 વર્ષ જ રહેશે. એટલે આમાં કોઈ ફેરફાર નહીં થાય. લોજિસ્ટિક, ટેક્નિકલ અને મેડિકલ બ્રાન્ચમાં જૂનિયર કમીશંડ ઓફિસર અને જવાનોની રિટાયરમેન્ટની ઉંમર 57 વર્ષ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સાથે જ આમાં ભારતીય સેનાની ઇએમઇ, એએસસી અને એઓસી બ્રાન્ચ પણ સામેલ થશે.

મીડિયા રિપોર્ટ મુજબ વિભાગ દ્વારા પ્રસ્તાવિત સંશોધન મુજબ, જેઓ 20-25 વર્ષની સેવા બાદ નિવૃત્ત થશે તેમને 50 ટકા પેન્શન આપવામાં આવશે. આ ઉપરાંત 25-30 વર્ષની સેવા બાદ નિવૃત્ત થનારા સૈનિકોને 60 ટકા પેન્શન આપવામાં આવશે. આ ઉપરાંત ૩૫ વર્ષ બાદ નિવૃત્ત થનારા કર્મચારીઓને સંપૂર્ણ પેન્શન આપવામાં આવશે.