ગાંધીનગર-

કેન્દ્ર સરકારે લોકસભામાં બજેટ રજૂ કર્યું છે, જે પેપરલેસ બજેટ તરીકેની જાહેરાત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને હવે ગુજરાત સરકાર પણ 3 માર્ચના રોજ વિધાનસભા ગૃહમાં પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે. આ માટે ગુજરાત સરકાર નાણા વિભાગ દ્વારા ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશન પણ તૈયાર કરવામાં આવી છે, આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરીને સમગ્ર બજેટની કાર્યવાહી લાઈવ નિહાળી શકાશે. આ બજેટ એપ્લિકેશનનું લોન્ચિંગ શુક્રવારના રોજ નાણા પ્રધાન નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું છે. 

મોબાઇલ એપ્લિકેશનના લોન્ચિંગ દરમિયાન રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ અગાઉ બજેટ માટે બે પુસ્તકો બનાવવામાં આવતા હતા. જેમાં કોલસા વિભાગ અને ખાણ વિભાગનો સમાવેશ થતો હતો. જ્યારે વર્તમાન વર્ષે હવે મોબાઈલ એપ્લિકેશનથી પેપરલેસ બજેટ કરી દેવામાં આવ્યું છે, ત્યારે ચાલુ વર્ષે બજેટના સામગ્રી અને પુસ્તકો છાપવામાં આવશે નહીં. ફક્ત 20 ટકા જેટલી જ બજેટની સામગ્રી બનાવવામાં આવશે. જે વિધાનસભાની લાઇબ્રેરીમાં વિરોધ પક્ષના ઓફિસમાં આપવામાં આવશે. જ્યારે અન્ય તમામ લોકો મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી ગુજરાતનું બજેટ નિહાળી શકશે, આમ પુસ્તકોના છાપવાના ખર્ચ ઘટશે.રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે મોબાઇલ એપ્લિકેશન વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશનમાં ગત 5 વર્ષના રાજ્યના બજેટમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત અલગ અલગ વિભાગ માટે કેટલા પ્રકારનું બજેટ વાપરવામાં આવ્યું છે, કેટલું બજેટ છે, તે અંગેની પણ વિસ્તૃત માહિતી મોબાઇલ એપ્લિકેશનમાં આપવામાં આવશે. આમ કોઈપણ વ્યક્તિને જૂનુ બજેટ જોવું હોય તો તેમને ગત 5 વર્ષના બજેટ પણ જોઈ શકશે.