ગાંધીનગર-

ગુજરાત વિધાનસભાની 8 બેઠક પરની પેટાચૂંટણી જાહેર થઈ છે. જે અંતર્ગત 3 નવેમ્બરનાં રોજ મતદાન યોજાશે. જ્યારે 10 નવેમ્બરનાં રોજ મતગણતરી હાથ ધરાશે. પેટા ચૂંટણી અંતર્ગત 9 ઓક્ટોબરે જાહેરનામું બહાર પડાશે, જ્યારે 16 ઓક્ટોબરે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હશે. ચૂંટણીની તારીખ જાહેર થતાંની સાથે જ ગુજરાતના મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસે પણ પુરજોશમાં બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. 

આઠ બેઠક પરની પેટા ચૂંટણીને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપી અને ભાજપ ચૂંટણી લડવા તૈયાર હોવાનું જણાવ્યું. સાથે જ કોંગ્રેસ પર નિશાન સાધતા કોંગ્રેસની નેતાગીરી સામે નારાજગી, જૂથવાદ અને પ્રજાના કામો ન કરી શકતા હોવાથી કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હોવાના પણ આક્ષેપ કર્યા. નીતિન પટેલે વધુ આક્ષેપ કરતા કહ્યું કે કોંગ્રેસમાં માત્ર બેથી ત્રણ નેતાઓનું જ વર્ચસ્વ જોવા મળે છે. નીતિન પટેલે મહામારી દરમિયાન લાગુ પાડવામાં આવેલા લોકડાઉન દરમિયાન સરકારે પ્રજાલક્ષી કામો કર્યા અને વિવિધ યોજનાનો જનતાને લાભ મળ્યો તેવા દાવાઓ કર્યા હતા. નીતિન પટેલે ઉમેદવારનો નિર્ણય પાર્લામેન્ટ્રી બોર્ડમાં લેવાશે તેમ જણાવી મોરબી, ગઢડા સહિત આઠેય બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થશે તેવો દાવો કર્યો. સાથે જ કહ્યું કે આ તમામ બેઠક કોંગ્રેસની હતી ત્યારે જો તેઓ હારે તો તેને ઘણું ગુમાવવાનું છે.