વડોદરા, તા. ૩૦

કરજણ વિધાનસભાની ચુટણીના પ્રચાર માટે ભાડેથી લીધેલી કારનું બિલ પાસ કરવા માટે કારમાલિક પાસેથી ૨૦ હજારની લાંચની માગણી કર્યા બાદ વાટોઘાટો કરીને પોતાના વચેટિયાને ૫ હજારની લાંચ લેવા મોકલનાર કરજણના નાયબ મામલતદાર જે.ડી.પરમારને એસીબીની ટીમે છટકુ ગોઠવી ઝડપી પાડ્યા હતા.

તાજેતરમાં કરજણ શિનોર વિધાનસભાની પેટાચૂંટણી યોજાઇ હતી જે સંદર્ભે વહીવટીતંત્ર દ્વારા કરજણ તાલુકાના માનપુર ગામમાં રહેતા કેતનભાઇ રબારીની કાર ભાડેથી લીધી હતી અને તે કારને ચૂંટણી રથ તરીકે ફરતી હતી. આ કારના બીલો મંજૂર થયા બાદ કાર માલિકના બેક એકાઉન્ટમાં જમા પણ થઇ ગયા હતા. આમ છતાં, કરજણના નાયબ મામલતદાર જે.ડી. પરમાર કાર માલિકને ફોન કરી કમિશનના રૂપિયા ૨૦,૦૦૦ ની માગણી કરતાં હતા અને પોલીસ મોકલવાની ધમકી આપતા હતા.

જાેકે કેતનભાઈ ૨૦ હજાર રૂપિયા આપવા ઇચ્છતા ન હતા પરંતુ અનેક વખત નાયબ મામલતદારને સતત લાંચની માગણી કરતા તેમણે વાટોઘાટો કરીને ૫ હજાર આપવાની તૈયારી બતાવી હતી. જાેકે તે પાંચ હજાર રૂપિયા પણ આપવા માંગતા ન હોઈ તેમણે લાંચિયા અધિકારીને પાઠ ભણાવવા માટે તેમણે વડોદરા લાંચ વિરોધી શાખાનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની સાથે તેઓએ નાયબ મામલતદાર દ્વારા વારંવાર કરાતી ઉઘરાણી અને ધમકીના ઓડિયો પણ એ.સી.બી.ને આપ્યા હતા.

આ ફરિયાદના પગલે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. લાંચની રકમ લેવા માટે વાતચિત બાદ નાયબ મામલતદારે તેમના વચેટિયા હસમુખ નામની વ્યક્તિને કાર માલિક કેતનભાઇ પાસે રૂપિયા ૫,૦૦૦ લેવા મોકલ્યો હતો. વચેટીયાએ ૫ હજારની લાંચ સ્વીકારતા જ એસીબીએ તેને ઝડપી પાડ્યો હતો. તેણે આ લાંચ નાયબ મામલતદાર જે.ડી. પરમારના કહેવાથી લીધી હોવાની કબૂલાત કરતા પોલીસે તુરંત ના.મામલતદાર જે ડી પરમારની પણ અટકાયની કામગીરી હાથ ધરી હતી.