નર્મદાભવનમાં પૂર્વના નાયબ મામલતદારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. જેથી બિજા અધિકારીઓ સંક્રમિત ન થાય તેની તકેદારી રાખતા મામલતદાર કચેરી(પૂર્વ)ની કામગીરી આઠ દિવસ માટે બંધ રાખવાનો મામલતદારે આદેશ કર્યો છે. તેમજ મામલતદાર કચેરીની તમામ શાખાઓ અને જનસેવા કેન્દ્રમાં સેનેટાઈઝેશન કામગીરી કરાઈ હતી.પૂર્વના નાયબ મામલતદાર આર. પી. બારીયાનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા મામલતદાર કચેરીમાં કામ કરતાં અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સફાઈકામદારોમાં ભયની લાગણી પ્રવર્તી છે. જે બાદ જાહેર આરોગ્યના હિતમાં તકેદારીના ભાગ રૂપે મામલતદાર કચેરી દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. જે અંતર્ગત મામલતદાર દ્વારા નર્મદાભવનમાં સી-બ્લોકના બીજા માળ પર આવેલી મામલતદાર કચેરી(પૂર્વ)ની તમામ કામગીરી તા.૨૮ જૂલાઈ થી આગામી ૪ ઓગસ્ટ સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોનાનો રિપોર્ટ આવતાં પહેલા નાયબ મામલતદારે જનસેવા કેન્દ્રની મુલાકાત લીધી હતી. જેથી નાગરિકોની સુવિધા માટે શરૂ કરાયેલ જનસેવા કેન્દ્રની કામગીરી પણ આઠ દિવસ માટે બંધ રાખવામાં આવશે. 

કોમર્સ ફેકલ્ટીના પ્રાધ્યાપક, સાયન્સ ફેકલ્ટીનો પટાવાળો કોરોનાગ્રસ્ત

યુનિ.માં અત્યાર સુધી ૧૦થી વધુ ટીચિંગ તેમજ નોન ટીચિંગ સ્ટાફના કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થઇ ચુક્યા છે. કોમર્સ ફેકલ્ટીના એક પ્રાધ્યાપકનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ પ્રોફેસર ૨૦ જુલાઈ સુધી ફેકલ્ટી પર હાજર રહેતા હતા. જ્યારબાદ તેમની તબિયત લથડતા તેઓ રજા પર હતા. રિપોર્ટ પોઝિટિવ આવતા ફેકલ્ટીમાં તેમના સંપર્કમાં આવેલા પ્રોફેસરોને હોમ ક્વોરેન્ટાઇન થવાની સૂચના આપવામાં આવી છે અને ફેકલ્ટીના મોટાભાગના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપી દેવામાં આવ્યું છે. આ પ્રોફેસર સિવાય સાયન્સ ફેકલ્ટીમાં પ્યુન તરીકે ફરજ બજાવતા એક કર્મચારીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ ફેલાઈ ગયો છે.