વડોદરા : વડોદરા શહેર અને જિલ્લામાં આવેલ હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કરવાને માટે એક તરફ બેડની વ્યવસ્થાઓ નથી. તમામ સરકારી અને કેટલીક ખાનગી હોસ્પિટલો હાઉસફુલ છે. જ્યાં દર્દીઓને દાખલ કરવાની જગ્યા ન હોતા કેટલેક ઠેકાણે તો એક સ્પેશ્યલ રૂમમાં બબ્બે દર્દીઓને નાના નાના બાકડા જેવડા બેડ પર સુવડાવીને સારવાર આપવામાં આવી રહી છે.જયારે કેટલીક હોસ્પિટલોમાં દર્દીઓ બોટલો ચઢાવીને બહાર ખુલ્લામાં વહીલ ચેર કે સ્ટ્રેચર પર સારવાર લઇ રહેલા જાેવા મળે છે. જેને લઈને સમગ્ર શહેર જિલ્લાઆમાં કોરોનાની સ્થિતિ કાબુ બહાર ગઈ કે. ત્યારે તંત્ર દ્વારા કરવામાં આવેલા મોટા મોટા વાયદાઓ અને આયોજનોની ડંફાસોનો ફિયાસ્કો જાેવા મળી રહ્યો છે. આ સંજાેગોમાં સામાન્ય પ્રજાની પીડાઓની કોઈ કલ્પના કરી શકાય એમ નથી. તેઓની મજબૂરી અને લાચારીભરી સ્થિતિ છતાં તંત્ર હજુ પણ આકાઓને ખુશ રાખવાને માટે સબ સલામતની બ્યુગલ વગાડી પ્રજાને મૂર્ખ બનાવી રહ્યું છે. વિકટ સ્થિતિને લઈને સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં રાતોરાત હજારો બેડો અને વેન્ટિલેટરોની વ્યવસ્થા ઉભી કરવા છતાં તંત્ર કોરોનાના દર્દીઓના સાચા આંકડા છુપાવીને એમાં ઘટાડો થયાનું દર્શાવી રહ્યું છે. આ સંખ્યા ગત રોજની ૩૯૫થી ઘટીને ૩૮૫ બતાવવામાં આવી છે. બલ્કે આંકડો એનાથી દશ ઘણા કરતા વધુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેમ છતાં તંત્ર પોતાની પીઠ પોતાની જાતે થાબડીને પ્રજાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. સરકારી દફતરે દિવસ દરમ્યાન માત્ર એક મોતની પૃષ્ટિ કરવામાં આવી છે. પરંતુ આ મૃતકોની સંખ્યા ૩૫ ઉપરાંત છે. આજે શહેરના ૨૭ જેટલા અને ગ્રામ્યના ૨૩ જેટલા વિસ્તારોમાં કોરોણાનું સંક્રમણ ફેલાયેલું જાેવા મળ્યું છે. ગત રોજ સુધી નોંધાયેલા કોરોનાના પોઝિટિવ ૩૦૩૨૬ દર્દીઓમાં વધુ ૩૮૫નો ઉમેરો થતા આંકડો ૩૦૭૧૧ સુધી પહોંચી ગયો છે.

કોવિડ માટે ૧૧ નિદાન કેન્દ્રોનો નર્મદા વિકાસ રાજ્ય મંત્રીએ પ્રારંભ કરાવ્યો

વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં નાગરિકો માટે વિવિધ ૧૧ મહત્વના સ્થાનો પર રેપિડ એન્ટિજન સેન્ટર શરુ કરવામાં આવ્યા છે. આ સેન્ટરોમાં શહેરના ૧૯૨૭ નાગરિકોએ પ્રથમ દિવસે ટેસ્ટ કરાવ્યા છે. આ ટેસ્ટ કરાવવાને માટે શહેરની પ્રત્યેક વિધાનસભા દીઠ બે અને રેલવે સ્ટેશન ખાતે એક એક મળીને કુલ ૧૧ સ્થળોએ રેપિડ એન્ટિજન ટેસ્ટ શરુ કરાયા હતા.જેમાં તુલસીધામ ચાર રસ્તા ,છાણી જકાતનાકા જલારામ મંદિર , એરપોર્ટ ચાર રસ્તા , ઉમા ચાર રસ્તા , ગોત્રી યશ કોમ્પ્લેક્ષ , અક્ષર ચોક , ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા , ન્યાયમંદિર , મુક્તાનંદ , તરસાલી શાક માર્કેટ અને રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. આ પ્રસંગે રાજ્યમંત્રી યોગેશ પટેલે જણાવ્યું કે વડોદરામાં ૧૧ જેટલા સ્થળોએ રેપિડ એન્ટી જન ટેસ્ટ સેન્ટર ખાતે શહેરીજનો વિનામૂલ્યે કોરોના ટેસ્ટ કરાવી શકશે.એટલુ જ શહેરમાં આજથી લાલબાગ અતિથિ ગૃહ ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. શહેરમાં વધુ ત્રણ કોવિડ કેર સેન્ટર તબક્કાવાર શરૂ કરવામાં આવશે.

શહેરના ૨૭- ગ્રામ્યના ૨૩ વિસ્તારો કોરોના સંક્રમિત બન્યા

વડોદરા શહેર અને જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોણાનું સંક્રમણ દિવસે દિવસે વધુ જાય છે. આજે શહેરના ૨૭ અને ગ્રામ્યના ૨૩ વિસ્તારો કોરોના સંક્રમિત બન્યા છે. જેને લઈને અત્યાર સુધી કોરોનાથી દૂર રહેલા ગ્રામ્ય વિસ્તારોમાં એનો પંજાે ફરી વળતા તંત્રને માથે ચિંતા વધી ગઈ છે. વડોદરા શહેરના બાપોદ, પાણીગેટ, કિશનવાડી, રામદેવનગર,સ્વાદ,વારસિયા, વાઘોડિયા રોડ, કારેલીબાગ, નવીધરતી, નવાપુરા, એકતાનગર, છાણી, ગાજરાવાડી, કપુરાઇ, માંજલપુર, યમુનામીલ, માણેજા, દંતેશ્વર, મકરપુરા, તરસાલી, તાંદલજા, અટલાદરા,અકોટા,ગોત્રી, ગોરવા, દિવાળીપુરા,જેતલપુર વિસ્તારો કોરોના સંક્રમણમાં આવી ગયા છે. આજ પ્રમાણે વડોદરા રૂરલમાં પદમલા, સાંકરદા,રણોલી,ડભોઇ,વાઘોડિયા, પાવલીપુરા,માંડોધર, કરજણ નગર, જરોદ, કેલનપુર, ચાણસદ, વલસાડ, વરણામા,ઈટોલા,પોર,કુરાટ, કુરાલી, અંગદ, ભાયલી, ચૌરંદા, મુજપુર,મંજુસર,સાવલી નગરમાં સંક્રમણ ફેલાયું છે.

અડધા લાખ ઉપરાંત રેમ ડેસીવર ઇન્જેક્શન સપ્લાય છતાં અછત

સમગ્ર રાજ્યમાં વડોદરાના ૫૪૬૨ મળીને કુલ ૨૨૭૩૮ જેટલા રેમ ડેસીવર ઇન્જેક્શનનો ટ્રેડ સપ્લાય ઉપરાંત સરકાર દ્વારા મોકલવામાં આવેલા ૧૫૪૦૨ ઇન્જેક્શન અને કેડિલા દ્વારા સીધા મોકલવામાં આવેલા ૧૩૦૦૦ રેમળેક ઇન્જેક્શન મળીને કુલ ૫૧૧૪૦ જેટલા ઇન્જેક્શનો બજારમાં આવવા છતાં એની સતત અછત જાેવા મળી રહી છે. શહેરના કેમિસ્ટો પાસેથી આ ઇન્જેક્શન મળતા નથી.જ્યા મળે છે.ત્યાં અત્યંત ઉંચા ભાવો લઈને મળતા હોવાની ફરિયાદ પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ દ્વારા ઓએસડી રાવ, પાલિકાના કમિશનર અને જિલ્લા કલેક્ટરને કરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલોમાંથી ઇન્જેક્શનો પ્રિસ્ક્રાઈબ કરવામાં આવે છે. જે લેવાને માટે દર્દીઓના સગાવ્હાલાઓએ દરબદર ભટકવું પડે છે. એમ તેઓએ જણાવીને ઉમેર્યું છે કે તેમ છતાં ઇન્જેક્શનો બજારમાં મળતા નથી..

સયાજી હોસ્પિટલમાં બેડ ક્ષમતા વધારીને ૭૫૦ કરવાનું આયોજન

સયાજી હોસ્પિટલમાં કોવિડ સારવારની ક્ષમતા ૭૫૦ બેડ સુધી વિસ્તારાશે. હાલની પથારીની ક્ષમતા ૫૭૫થી વધારીને ૬૫૦ બેડની કરવામાં આવી જેની સામે હાલમાં ૫૫૨ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. અહી ૨૫૦ આઇસીયુ બેડ પૈકી ૧૦૦ બેડ ખાલી છે અને ૧૭૦ વેન્ટિલેટર પૈકી ૪૬ ખાલી છે. સયાજીની ન્યુ સર્જીકલ બિલ્ડિંગના વોર્ડ બી ૧ અને ૨ ને કોવિડ સારવાર સુવિધામાં ફેરવવાનો ર્નિણય કર્યો છે જેથી ૧૦૦ પથારીની ક્ષમતા વધશે. આ પૈકી ૫૦ બેડ આજ રાત સુધીમાં અને વધુ ૫૦ બેડ બુધવારની રાત સુધીમાં તૈયાર થઈ જશે. તેના પગલે સયાજીમાં કોવિડ સારવારની બેડ ક્ષમતા વધીને ૭૫૦ થશે જે પૈકી મોટાભાગની પથારીઓ પાઇપ લાઇન દ્વારા ઓકસીજન પુરવઠાની સુવિધાથી સુસજ્જ હશે.