વડોદરા

ગંભીર પ્રકારના ગુનાને અંજામ આપવા માટે તમંચો રાખનાર ઈસમને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ શુક્રવારે પેટ્રોલિંગમાં નીકળી હતી એ દરમિયાન બાતમી મળી હતી કે મકરપુરા જીઆઈડીસીથી અલવાનાકા તરફ જવાના રસ્તા પર આવેલ એક મકાનમાં ઈસમ પાસે હથિયાર છે જે એને સંતાડીને રાખ્યું છે. 

ક્રાઈમ બ્રાન્ચના પુષ્પકસિંહ અને અન્ય સ્ટાફે અલવાનાકા તરફ જવાના રસ્તા ઉપર આવેલ પવનનગરમાં રહેતા મહંમદ સલીમુદ્દીન શેખને ત્યાં દરોડો પાડયો હતો. તપાસ કરતાં ઘરના રસોડામાં ચોખાની આડમાં છુપાવી રાખેલો દેશી બનાવટનો તમંચો અને ત્રણ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. તમંચા સાથે ઝડપાયેલ મહંમદ હાશીમ સલીમુદ્દીન શેખ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી હતી. ખાસ કરીને આ તમંચો કોની પાસેથી મેળવ્યો અને એનો ઉપયોગ શું કરવાનો હતો? કેટલા વખતથી એની પાસે છે? એવા સવાલોના જવાબ મેળવવા માટે મહંમદની પૂછપરછ હાથ ધરી હતી. વધુ કાર્યવાહી માટે ક્રાઈમ બ્રાન્ચે મહંમદ શેખને માંજલપુર પોલીસને સુપરત કર્યો છે, જ્યાં તેના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.