વડોદરા -

કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ખેત ઉપજ , વેપાર અને વાણિજ્ય ( સંવર્ધન અને સરળીકરણ ) ખરડો ૨૦૨૦ , ખેડૂત ( સશક્તિકરણ અને સંરક્ષણ ) કૃષિ સેવા ભાવ બાંહેધારી અંગેની સમજૂતી ખરડો ૨૦૨૦ અને આવશ્યક ચીજ વસ્તુઓ ( સુધારા ) ખરડો – ૨૦૨૦ જેવા ત્રણ ખેડૂત વિરોધી ખરડા પસાર કરીને હરિયાળી ક્રાંતિને નામશેષ કરવાનું ષડયંત્ર કરી રહી છે . કેન્દ્ર સરકાર પોલીસ દમન દ્વારા ખેડૂતોનો અવાજ કચડી નાંખવાનો પ્રયાસ કરી રહી છે . તે જ રીતે તાજેતરમાં કોરોનાને પગલે લોકડાઉનને લીધે લાંબો સમય ધંધા - રોજગાર બંધ રહ્યાં હોવાથી અને નોકરીઓના પણ પગારકાપની સ્થિતિના સંજોગોમાં તેમજ શાળાઓ સંપૂર્ણપણે બંધ હોવાથી કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રથમ સત્રની ૧૦૦ ટકા ફી માફીની સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી . તેમ છતાં ભાજપ સરકારે માત્ર ૨૫ ટકા ફી માફીનો ર્નિણય કરીને ગુજરાતના વાલીઓનો ઉપહાસ કર્યો છે . આ સંજોગોમાં સાથે સાથે પ્રથમ સત્રની ૧૦૦ ટકા ફી માફીની માંગણી સાથે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતી દ્રારા દેણા ચોકડી નેશનલ હાઇવે ૮ ખાતે ધરણા, ચક્કા જામ કરી ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમના સ્થળેથી હરણી પાલીસ દ્રારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાગર કોકો, જીલ્લા મહામંત્રી દિલીપભાઈ ભટ્ટ, સેવાદળ ચેરમેન હેમલભાઈ પટેલ, તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ કિરણસિંહ રાઠોડ, વિક્રમસિહ યાદવ, વડોદરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ જયેન્દ્રસિંહ પરમાર વગેરેની ધરપકડ કરીઇ હતી.