બરોડા ડેરીમાં પશુપાલકોને દૂધના ભાવમાં યોગ્ય વળતરના મુદ્દે કેતન ઇનામદારના સમર્થનમાં વડોદરા ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપવા આવી રહેલા પશુપાલકોને પોલીસે દુમાડ ચોકડી ખાતે રોકીને અટકાયત કરી હતી.બરોડા ડેરી ખાતે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની આગેવાની હેઠળ પ્રતિક ધરણા અને આવેદનપત્ર આપવા આવી રહેલા કેતન ઈનામદારના નાના ભાઈ સંદિપ ઈનામદાર પશુપાલકો, ડેરી સભાસદો, દૂધ મંડળીના પ્રમુખ મંત્રી, અને શુભેચ્છકો સાથે ક નીકળ્યા હતા. અને આ દરમ્યાન સર્કિટ હાઉસ ખાતે બેઠક પણ મળવાની હતી પરિણામે બરોડા ડેરી ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. તેવામાં આજે વહેલી સવારે વરસતા વરસાદમાં દુમાડ ચોકડી પોલીસ છાવણીમાં ફેરવાઇ ગઇ હતી અને વડોદરા કલેક્ટરને આવેદનપત્ર આપવા આવી રહેલા ૩૦થી વધુ પશુપાલકોને ત્યાં જ રોકી દીધા હતા. સાવલીથી ધારાસભ્યના ભાઈ સંદીપ ઇનામદાર સાવલી ડેસર તાલુકાના પશુપાલકો સમર્થકો સહિત વડોદરા જતાં કાફલા ને સાવલી, ગોઠડા, મંજુસર, અને દુમાંડ ચોકડી અટકાવવામાં આવ્યા હતા.

બરોડા ડેરી અને કલેક્ટર કચેરી ખાતે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

બરોડા ડેરી સામે દૂધના ભાવફેર મુદ્દે આંદોલને ચઢેલા પશુપાલકો જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને બરોડે ડેરી પહોંચી પ્રતિક ધરણાં ઉપર બેસનાર હોવાની માહિતી પોલીસને મળતા શહેર પોલીસ તંત્ર દ્વારા કલેક્ટર કચેરી અને બરોડા ડેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. દુમાડ ચોકડી ખાતે પશુપાલકોની અટકાયત કરવામાં આવતા ઉત્તેજના વ્યાપી ગઇ હતી. પશુપાલકો દ્વારા જય શ્રીરામ અને બરોડા ડેરીના વહીવટ કર્તાઓ વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. એક તબક્કે દુમાડ ચોકડી ખાતે પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.