વડોદરા,તા. ૨૬ 

અલકાપુરી વિસ્તારમાં આવેલા બરોડા ઇમેજિંગ સેન્ટરમાં ગઈકાલે રાત્રે રેડિયોલોજી માટે કોરોના સંક્રમિત દર્દીને લાવવામાં આવતા એપાર્ટમેન્ટના રહીશોએ વિરોધ કર્યો હતો. રહિશો એમ્બ્યુલન્સની આગળ ઉભા રહીને તેને પ્રવેશવા ન દેતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે વચ્ચે પાડીને મામલો થાળે પાડ્યો હતો. ઇમેજિંગ સેન્ટરના સંચાલકે સયાજીગંજ પોલીસમથકે સોસાયટીના લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આસપાસની સોસાયટીઓના કુલ ૧૩ લોકોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

કોરોનાનાં દર્દીઓને તેમની બીમારી કરતા વધારે આસપાસના લોકોનું વર્તન સહન કરવું વધારે અઘરું લાગતું હોય છે. સંક્રમિતો સાથે લોકો એ પ્રકારનો વ્યવહાર કરતા હોય છે કે જેનાથી માનવતા પર ભરોસો ઉઠી જાય તેમ છે. એવો જ એક કિસ્સો ગઈકાલે રાત્રે શહેરના પોશ એવા અલકાપુરી વિસ્તારમાં નોંધાયો હતો. અલકાપુરી વિસ્તારમાં આવેલા સંગીતા એપાર્ટમેન્ટમાં બરોડા ઇમેજિંગ સેન્ટર આવેલું છે. જ્યા ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર મેળવી રહેલા દર્દીઓના રેડિયોલોજીને લગતી કામગીરી કરવામાં આવે છે. ગઈકાલે રાત્રે એક કોરોના સંક્રમિત દર્દીને એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યા હતા. જોકે, સોસાયટીના ગેટમાંથી કોવિડ પેશન્ટ લઈ જવાનો રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો અને કોવિડ પેશન્ટને લઇ જતી એમ્બ્યુલન્સને રોકીને હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ સયાજીગંજ પોલીસને કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી અને સ્થાનિકોને સમજાવ્યા બાદ એમ્બ્યુલન્સને જવા દેવામાં આવી હતી.આ ઘટના અંગે બરોડા ઇમેજિંગ સેન્ટરના સંચાલક ડાૅ. વીરેન શાહે સયાજીગંજ પોલીસમથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સંગીતા એપાર્ટમેન્ટ અને તેની આસપાસ રહેતા ભરતભાઈ પ્રવીણભાઈ ખત્રી, કેતન ઇન્દ્રવદન શાહ, મયુર ગોવિંદભાઇ ગોસર, નયન હસમુખભાઈ ચોક્સી, તર્પણ કિશોર કોટીયા સહીત કુલ ૧૩ લોકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારબાદ સયાજીગંજ પોલીસે સોસાયટીના ૨૫ જેટલા લોકોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.