છોટાઉદેપુર

વડોદરા વિભાગ મહાનિરીક્ષક દ્વારા છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષકને સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે વોટસએપ, ફેસબુક, ટવીટર જેવા સોશીયલ મીડીયાનો કેટલા ઇસમો દ્વારા દુરઉપયોગ કરવામાં આવે છે.બહેન-દીકરીઓના ફોટા-વિડીયો સોશીયલ મીડીયામાં વાયરલ કરી તેઓને બદનામ કરવામાં આવે છે. આવી અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલા માથાભારે ઇસમો વિરૂધ્ધ પાસા તથા તડીપારની કાર્યવાહી કરવા જિલ્લા પોલીસવડા દ્વારા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જને સુચના આપવામાં આવી હતી. દરમિયાનમાં ઉપેન્દ્રકુમાર ઉર્ફૅ આકાશભાઇ ધનસીંગભાઇ સલાટ રહે.હાલોલ સ્ટેશન રોડ, તા.હાલોલ જી.પંચમહાલ મૂળ રહે.કથોલા મહુડી ફળીયા તા.હાલોલ, જી.પંચમહાલ એક યુવતીના અશ્લિલ ફોટા સોશિયલ મિડીયામાં વાયરલ કર્યા હતા. જે અન્વયે તેના વિરૂદ્ધ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે ઇ.પી.કો. ૩૫૪ (સી), ૪૯૮ (એ), ૫૦૦, ૫૦૪, ૧૧૪ તથા આઇ.ટી. એકટ ૬૬ (ઇ), ૬૭, ૬૭ (એ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો જેથી આવી વિકૃત માનસિકતા ધરાવનાર ઇસમ વિરૂદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીમાં મોકલી આપવામાં આવી હતી. આ પાસાની દરખાસ્ત મંજુર થતા છોટાઉદેપુર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર ડી.જે.પટેલ દ્રારા ઉપેન્દ્રને બુધવારના રોજ પાસા હેઠળ અટકાયત કરી મોરબી જેલમાં મોકલી અપાયો છે.