મુંબઈ

દેવદત્ત પડિક્કલ ૧૦૧ અને વિરાટ કોહલી ૭૨ ની શાનદાર બેટિંગની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરેએ ઈન્ડિયન પ્રીમિયર લીગ ની ૧૬મી મેચમાં રાજસ્થાન રોયલ્સને ૧૦ વિકેટે કારમો પરાજય આપી ટૂર્નામેન્ટમાં સતત ચોથી જીત મેળવી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૭૭ રન બનાવ્યા હતા. જેના જવાબમાં બેંગલોરે ૧૬.૩ ઓવરમાં ૧૮૧ રન બનાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગલોરને કેપ્ટન વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલે દમદાર શરૂઆત અપાવી હતી. યુવા ઓપનર દેવદત્ત પડિક્કલે પોતાના આઈપીએલ કરિયરની પ્રથમ સદી ફટકારી હતી. તેણે રાજસ્થાન સામે ૫૧ બોલમાં ૬ છગ્ગા અને ૧૧ ચોગ્ગા સાથે પોતાની સદી પૂરી કરી હતી. આ આઈપીએલની ૧૪મી સીઝનની બીજી સદી છે. આ પહેલા સંજૂ સેમસને સદી ફટકારી હતી. આ સાથે પડિક્કલ આઈપીએલમાં સદી ફટકારનાર ત્રીજો સૌથી યુવા ખેલાડી બની ગયો છે. 

વિરાટ કોહલીએ આઈપીએલમાં ૬ હજાર રન પૂરા કર્યા આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ૬ હજાર રન પૂરા કર્યા છે. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ બેટ્‌સમેન બની ગયો છે. કોહલીએ ૩૪ બોલમાં પોતાની અડધી સદી પણ પૂરી કરી હતી. આ તેના આઈપીએલ કરિયરની ૪૦મી અડધી સદી છે. વિરાટ કોહલી ૪૭ બોલમાં ૬ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૭૨ રન બનાવી અણનમ રહ્યો હતો. કેપ્ટન સંજૂ સેમસન ફરી ફ્લોપ રહ્યો હતો. તે ૨૧ રન બનાવી સુંદરનો શિકાર બન્યો હતો. ત્યારબાદ રિયાન પરાગ અને શિવમ દુબેએ ટીમનો સ્કોર ૧૦૦ને પાર પહોંચાડ્યો હતો. રિયાન પરાગ (૨૫) હર્ષલ પટેલનો શિકાર બન્યો હતો. અંતમાં રાહુલ તેવતિયાએ ૨૩ બોલમાં ૪ ચોગ્ગા અને ૨ છગ્ગા સાથે ૪૦ રન બનાવી ટીમનો સ્કોર ૧૭૦ને પાર પહોંચાડવામાં મદદ કરી હતી. ક્રિસ મોરિસે ૧૦ રન બનાવ્યા હતા. શ્રેયસ ગોપાલ ૭ રન બનાવી અણનમ રહ્યો હતો. 

રોયલ ચેલેન્જર્સ બેંગલોર તરફથી સિરાજે ૨૭ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. હર્ષલ પટેલને પણ ત્રણ સફળતા મળી હતી. આ સિવાય કેન રિચર્ડસન, કાઇલ જેમિસન અને સુંદરને એક-એક સફળતા મળી હતી.