દાહોદ : ખેડૂતો ર્સ્વનિભર બને તે માટે મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સાત નક્કર નવીન યોજનાઓ ખેડૂત કલ્યાણ માટે રાજયભરમાં શરૂ કરી છે. આ યોજનાઓની માહિતી દરેક ખેડૂત સુધી પહોંચે તે માટે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા, ધાનપુર અને ગરબાડા તાલુકાના ખેડૂતો માટે માર્ગદર્શન કાર્યક્રમ દેવગઢ બારીયાની પીટીસી કોલેજ ખાતે યોજાયો હતો.  

રાજય મંત્રી બચુભાઇ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોરએ ખેડૂતોને આ સાતેય યોજનાઓ વિશે વિસ્તારપૂર્વક સમજ આપી હતી.આ પ્રસંગે રાજયમંત્રી બચુભાઇ ખાબડે ખેડૂતોને સંબોધતા જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સાત પગલા ખેડૂતોના કલ્યાણના તાકીદના સમયે લીધા છે. જે માટે તેમને ધન્યવાદ આપવા ઘટે. રાજય દ્વારા વિકાસની દિશામાં કરવામાં આવતી પહેલ સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ અને અનુકરણીય બનતી હોય છે.તેમણે જણાવ્યું કે, અઢી દાયકા અગાઉની સરખામણીમાં રાજયનું કૃષિ ઉત્પાદન અત્યારે બાર ગણું થયું છે. અઢી દાયકા પહેલા ખેડૂતોની સ્થિતિ અને આજની સ્થિતિમાં મોટો તફાવત જોવા મળશે. ભૂતકાળમાં ખેડૂતો ખાતર-બિયારણ વગેરે માટે મોટા વ્યાજે પૈસા લાવતા હતા. જયારે અત્યારે ખેડૂતોના ધિરાણના વ્યાજના ૩ ટકા કેન્દ્ર અને ૪ ટકા રાજય સરકાર ભોગવે છે.