દેવગઢ બારિયા

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરમાં દેવગઢબારીયા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર છ(૬) માં કોલેજ વિસ્તાર થી લઈ સર્કલ બજાર સુધીના એક અઠવાડિયા પહેલાં જ બનાવેલા નવા ગામડે રોડના અત્યારથી જ પોપડા ઉખડીને ખાડાઓ પડી જતા આ ખાડાઓમાં ભારે ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે અને આ રસ્તો પણ અગાઉના કોન્ટ્રાક્ટર શિલ્પન શાહ દ્વારા બનાવવામાં આવ્યો છે ? કે શું ! તે બાબતની દેવગઢબારિયા નગરમાં ચોરે અને ચૌટે થઈ રહેલી ચર્ચાઓ આજે ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે. આ મામલે પાલિકાના સત્તાધીશો તથા પદાધિકારીઓ દ્વારા કસૂરવારો સામે પગલાં લેવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. દેવગઢબારિયા નગરના મોટા ભાગના રસ્તાઓ ઉપર ખાડાઓ પડી જતા અને આવા ઉબડખાબડ રસ્તાઓથી બારીયા નગરની જનતા ત્રાહિમામ કરી ગઈ હતી. જે બાબતને ગંભીરતાથી ધ્યાને લઇ નગરપાલિકા દ્વારા નગરના કેટલાક રસ્તાઓ આર.સી.સી ના બનાવવામાં આવ્યા છે. જ્યારે દેવગઢબારિયા નગરના વોર્ડ નંબર છ માં કોલેજ વિસ્તારથી લઈને નગરના સર્કલ બજાર સુધીનો નવો ડામર રોડ એક અઠવાડિયા પહેલા જ બનાવવામાં આવ્યો છે. તે ડામર રોડ પર ગણતરીના દિવસોમાં એટલે કે ચાર દિવસમાં જ પોપડા ઉખડી જતા જેના કારણે ખાડા પડતા આ ખાડાઓ માંથી મોટા પાયે આચરાયેલા ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે. નવા રોડ પર માત્ર ગણતરીના ચાર પાંચ દિવસમાં જ પોપડા ઉખડી રહ્યા છે. તે પોપડા ખરેખર રોડ બનાવવામાં મોટા પાયે આચરાયેલા ભ્રષ્ટાચાર તરફ અંગુલિનિર્દેશ કરે છે આ રોડ બનાવવામાં તદ્દન હલકી ગુણવત્તાવાળો માલ વાપરવામાં આવ્યું હોવાનું નગરમાં ચર્ચાઈ રહ્યું છે. આવા તકલાદી રસ્તા બનાવવામાં કેવી ગુણવત્તાવાળો માલ વાપરવામાં આવ્યો છે. તેની સંલગ્ન વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી કે નહીં. આ વોર્ડ નંબર છ(૬)ના ચૂંટાયેલા સદસ્યો કુંભકર્ણ નિંદ્રામાંથી ક્યારે જાગશે ?