અમદાવાદ-

કોરોના મહામારીની પરિસ્થિતિ વચ્ચે માં નવદુર્ગાની ઉપાસનાના પર્વ નવરાત્રિની ઉજવણી થઈ રહી છે. ત્યારે મા અંબાના દર્શન માટે ભક્તોની અંબાજી મંદિરમાં ભારે ભીડ જામી છે. ભક્તો મોટી સંખ્યામાં અંબાજી પહોંચ્યા હતાં. માતાજીના દર્શન કરવા માટે લોકોની ભીડ વધતાં મંદિર તંત્ર તથા અધિકારીઓએ લોકોની ભીડને નિયંત્રણમાં લેવા પ્રયાસો હાથ ધર્યાં હતાં.

અંબાજી મંદિરમાં માતાજીના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી હતી. કોરોના વાયરસની પરિસ્થિતિમાં પણ ત્યાં કોઈ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું નહોતું. દર્શનાર્થે આવેલા લોકોની લાઈન મુખ્ય મંદિરથી છેક અંબાજી બસ સ્ટેન્ડ ત્રિવેદી સર્કલ સુધી જોવા મળી હતી. રવિવારનો દિવસ હોઈ અને બીજુ નોરતું હોવાથી અંબાજીમાં લોકો દર્શનાર્થે ઉમટી પડ્યાં હતાં. આ દરમિયાન ભીડ જામતા ટ્રાફિક જામ પણ જોવા મળ્યો હતો.

અંબાજીમાં મુખ્ય મંદિરથી ગબ્બર પર્વત પર મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે જતાં જોવા મળ્યાં હતાં. વહેલી સવારથી જ અંબાજીમાં ટ્રાફિક જોવા મળ્યો હતો. ભક્તોની મંદિરમાં દર્શન માટે મોટી લાઈન થઈ હતી. તો બીજી બાજુ ગબ્બર પર્વત પર માતાજીની અખંડ જ્યોતના દર્શને જતાં લોકોની ભીડ પણ વધારે હતી. આ દરમિયાન મંદિર પરિસરથી ગબ્બર સર્કલ સુધી વાહનોનું પાર્કિગ જોવા મળ્યું હતું.

અંબાજીમાં પ્રવેશ કરતાં ભક્તોનો મુખ્ય હાઈવે પર પણ ઘસારો જોવા મળ્યો હતો. માતાજીના દર્શન માટે લોકો વાહનો લઈને નીકળી પડતાં હાઈવેની બંને બાજુએ ટ્રાફિકમાં વધારો થતાં મોટી સંખ્યામાં વાહનો જોવા મળ્યાં હતાં. હાઈવે પર ટ્રાફિકમાં વધારો જોવા મળતાં અંબાજીમાં પણ ટ્રાફિક જામ થયો હતો. કોરોના વાયરસની મહામારીની પરિસ્થિતિમાં એક તરફ સરકારે ગરબાને મંજુરી નથી આપી તે ઉપરાંત પૂજા આરતી માટે પણ નિયમો તૈયાર કર્યાં છે. ત્યારે લોકો બેદરકાર થઈને સરેઆમ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. અંબાજીમાં લોકોની ભીડ એકત્ર થતાં પોલીસ અધિકારીઓ તથા વહિવટી તંત્રના અધિકારીઓએ ભીડને નિંયંત્રિત કરવાના પ્રયાસો શરુ કરી દીધાં હતાં. 

શક્તિ ઉપાસનાના પર્વ નવરાત્રિ દરમિયાન માતાજીના દર્શનાર્થે અંબાજી સહિતના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. ત્યારે સરકારે મંદિરમાં દર્શન કરવા માટેની મંજુરી આપી છે. ત્યારે લોકો દ્વારા જ નિયમોનો સરેઆમ ભંગ કરીને કોરોનાને સામેથી આમંત્રણ આપવા માટે મોટી બેદરકારી દાખવવામાં આવી છે. નિયમોનું પાલન કર્યા વિના જ મંદિર પરિસરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યાં છે.