વડોદરા

દેવાધિદેવ મહાદેવની ભક્તિ અને આરાધના કરવાનું પર્વ એટલે મહાશિવરાત્રિ. વડોદરા શહેર-જિલ્લામાં મહાશિવરાત્રિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શિવાલયોમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ સાથે બમ્‌ બમ્‌ ભોલેના નાદથી ગુંજી ઊઠયા હતા. વડોદરા સહિત કરનાળી કુબેરભંડારી મંદિર, કાવી-કંબોઈ, કાયાવરોહણ, દેણા સ્થિત વ્યાસેશ્વર મહાદેવના મંદિરોમાં દર્શનાર્થે શ્રદ્ધાળુઓની કતારો લાગી હતી. શિવ મંદિરોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આજે મહાશિવરાત્રિ પર્વની શહેરમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શહેરના કાશીવિશ્વનાથ મંદિર, હરણીના મોટનાથ મહાદેવ મંદિર, નવનાથ મહાદેવના મંદિરો સહિત તમામ નાના મોટા શિવાલયોમાં સવારથી જ દર્શનાર્થે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. શિવ મંદિરોમાં લઘુરુદ્ર, હવન, અભિષેક સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ડભોઈ તાલુકાના કરનાળી ખાતે નર્મદા નદીના કિનારે આવેલ સુપ્રસિદ્ધ કુબેરભંડારી મંદિરમાં દર્શનાર્થે સવારથી જ ભક્તોની કતારો લાગી હતી. ભક્તોએ માસ્ક અને સોશિય્લ ડિસ્ટન્સ સાથે ભગવાન ભોલેનાથના દર્શન કર્યા હતા. કુબેરભંડારીદાદાના દર્શનાર્થે આવેલા ભક્તોએ નર્મદા નદીમાં સ્નાન કરીને નર્મદાના જળ, શેરડીનો રસ, મધ જેવી વસ્તુઓથી અભિષેક કર્યો હતો. કાયાવરોહણ ખાતે લકુલેશ મહાદેવ, દેણા ગામે આવેલ વ્યાસેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ સવારથી જ ભક્તો ઉમટયા હતા. શિવાલયો પાસે તેમજ શહેરના વિવિધ માર્ગો ઉપર શિવજીની પ્રિય પ્રસાદી ભાંગનું વેચાણ ઠેર ઠેર જાેવા મળ્યું હતું. શ્રદ્ધાળુઓએ ભાંગની પ્રસાદી લઈને ધન્યતા અનુભવી હતી. મહાશિવરાત્રિ પર્વે શહેર-જિલ્લાના તમામ શિવાલયો આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યા હતા. સાંજે શિવાલયોમાં ભજન-કીર્તન સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.