વડોદરા : માંજલપુર વિસ્તારમાં બે માસ અગાઉ હિટ એન્ડ રનના કેસમાં સાત વર્ષના માસૂમ બાળકનું મોત નિપજાવવાના ચકચારભર્યા બનાવમાં સઅપરાધ માનવવધના ગુનાનો ઉમેરો થતાં પોલીસે આ ગુનાના આરોપી દેવુલ ફુલબાજેને અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી પાડી આજે જેલભેગો કર્યો હતો.

બે માસ અગાઉ પોતાના બે પિતરાઈભાઈઓને ટ્યુશન ક્લાસમાંથી લઈને ઘરે જતી કોલેજીયન વિદ્યાર્થિનીની મોપેડને માંજલપુર સ્મશાન પાસે પુરઝડપે આવેલા જીપચાલક દેવુલ ઘનશ્યામ ફુલેબાજે (ઈવા મોલ પાસે, માંજલપુર)એ ટક્કર મારી અકસ્માત સર્જયો હતો અને બાદમાં ફરાર થવાના પ્રયાસમાં જીપ ડિવાઈડર પર ચઢાવી દીધી હતી. આ બનાવમાં મોપેડસવાર ૭ વર્ષના બાળકનું મોત નિપજતા માંજલપુર પોલીસે દેવુલ સામે ૩૦૪ (અ) મુજબ ગુનો નોંધ્યો હતો જેમાં તેની ધરપકડ થતાં જામીન પર છુટકારો થયો હતો.

જાેકે આ બનાવ સપરાધ માનવવધનો હોઈ મૃતક બાળકના પરિવારજનોની માગણી મુજબ પોલીસે આ ગુનામાં ઈપીકો ૩૦૪ મુજબ ગુનો નોંધવા માટે રિવિઝન કરી હતી જેને સેશન્સ કોર્ટે માન્ય કરી હતી. દેવુલ સામે ગુનામાં ૩૦૪નો ઉમેરો થતા માંજલપુર પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી. ગઈ કાલે દેવુલ ફ્લાઈટમાં દહેરાદુનથી અમદાવાદ આવવાનો છે તેવી જાણ થતાં જ પોલીસે દેવુલને અમદાવાદ એરપોર્ટ પર આવતા જ ઝડપી પાડ્યો હતો. તેનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા દેવુલને આજે કોર્ટમાં રજુ કરાયો હતો જયાં તેને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલભેગો કરાયો હતો.